મેઘાલયમાં ૧૫ ખાણિયાઓને શોધવા મરજીવાઓનું અભિયાન પુનઃ શરૂ

617

૧૩ ડિસેમ્બરથી મેઘાલયના પૂર્વમાં આવેલા જૈન્તિઆ જિલ્લાના કસાન ગામમાં કોલસાની એક ગેરકાયદે ખાણમાં ઉતરેલા ખાણિયાઓ અચાનક પાણી ભરાઈ જવાથી ફસાઈ ગયા છે. નેવી અને એનડીઆરએફ દ્વારા ૧૫ ખાણિયાઓને સલામત બહાર કાઢવા માટે હવે સર્ચ ઓપરેશન પુનઃ શરૂ કરવામાં આવ્યું છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ નાલોંગ નામની મરજીવાની ટીમ તેમજ એનડીઆરએફના તરવૈયાઓ મુખ્ય બાકોરામાંથી પ્રવેશ કર્યો હતો. આ ટીમ સંયુક્ત રીતે અગાઉથી તૈયાર કરેલી રણનીતિ મુજબ કામગીરી કરી રહી છે. આ ઉપરાંત પાણી બહાર ખેંચવા માટે મંગાવાયેલા મોટા પંપ્સના સંચાલન માટે ઓડિશા ફાયરને મદદ કરવા એનડીઆરએફની ટીમ પણ ખડેપગે તૈનાત છે. પૂર્વ જૈન્તિઆ જિલ્લાના પ્રવક્તા આર સુસન્ગીએ જણાવ્યું કે, ‘ઓડિશા ફાયર સેવા તેમની શ્રેષ્ઠ કામગીરી બજાવી રહી છે અને ખાણમાંથી પાણી બહાર ખેંચવા તેમજ પમ્પ ગોઠવવામાં ભારે જહેમત પણ કરી રહી છે.’

ઉંદરના દર જેવડા બાકોરામાં ૧૫ જેટલા ખાણિયાઓ ફસાયા છે તે પૈકી પાંચ આસામના છે અને દસ લોકો પૂર્વ જૈન્તિઆ (મેઘાલય)ના છે. એનડીઆરએફ તમામ એજન્સીઓને શક્ય તેટલી મદદ કરવા તત્પર છે. જિલ્લા વહીવટીતંત્ર પણ મશિનરી સહિતના તમામ સાધનો ઉપલબ્ધ કરાવી રહ્યું હોવાનું પ્રવક્તાએ જણાવ્યું હતું.

નેવીના મતે મેઘાલયમાં ખાણિયાઓને બહાર લાવવાની કામગીરી ત્યારે જ શક્ય બનશે જ્યારે ગેરકાયદે માળખાઓમાંથી પાણીનો જથ્થો બહાર નિકળશે. નેવીની મરજીવાઓ ૩૫૦ ફૂટની પાણી ભરાયેલી ખાણમાં પુનઃ પ્રવેશ્યા હતા અને ત્રણ કલાક બાદ તેઓ બહાર આવ્યા હતા.

 

Previous articleઆસામ એનઆરસીઃ ૩૦ લાખ લોકોએ કર્યો નાગરિક્તાનો દાવો, ૧૦ લાખ ફરીથી છૂટ્યા
Next articleઅંતરિક્ષની સીમાઓની પાર નિકળ્યું સ્પેસક્રાફ્ટ, પૃથ્વી બનવાની પ્રક્રિયા પર રિસર્ચ કરશે