અમરોહા : બે શકમંદના પાંચ સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી

624

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા અમરોહામાં ફરી એકવાર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. ત્રાસવાદી સંગઠન સાથે જોડાયેલા બે શકમંદના પાંચ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. સવારે પણ કાર્યવાહી યથાવત રીતે જારી રહી હતી. એનઆઇએની સાથે ઉત્તરપ્રદેશ એટીએસની ટીમ પણ દરોડાની કાર્યવાહીમાં સામેલ થઇ  હતી. દરોડાની કાર્યવાહી દરમિયાન દસ્તાવેજોમાં ઉંડી તપાસ કરવામાં આવી હતી. ગયા સપ્તાહમાં જ પકડી પાડવામાં આવેલા શંકાસ્પદોના સ્થળ પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. ૩૦મી ડિસેમ્બરની રાત્રે ઉત્તરપ્રદેશના અમરોહામાંથી ૧૦ શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા હતા.

તે પહેલા નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી અને એટીએસની ટીમે ૨૬મી ડિસેમ્બરે આક્રમક કાર્યવાહી હાથ ધરી હતી. એનઆઈએ દ્વારા ૧૦ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી.  ધરપકડ કરવામાં આવેલાઓમાં મૌલવીથી લઇને સિવિલ એન્જિનિયર સુધીના ખતરનાક શખ્સો હતા.  આત્મઘાતી હુમલાની ઘાતક યોજના તૈયાર કરવામાં આવી રહી હતી. સ્વદેશી બનાવટની ૧૨ પિસ્તોલ, ૧૨૦ એલાર્મ ક્લોક, ૧૦૦ મોબાઇલ ફોન, ૧૩૫ સિમકાર્ડ અને લેપટોપ કબજે કરવામાં આવ્યા હતા. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ વ્યાપક દરોડા અને તપાસ બાદ આઈએસઆઈએસ પ્રાયોજિત આતંકવાદી માળખાનો પર્દાફાશ કર્યો હતો. એનઆઈએ દ્વારા સવારથી જ ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં ૧૭થી વધુ સ્થળો દરોડા વ્યાપક કાર્યવાહી હાથ ધરી હતી. હરકત ઉલ હર્બે ઇસ્લામ નામથી નવા મોડ્યુઅલમાં તપાસ ચાલી રહી છે. કાર્યવાહી દરમિયાન ૧૨ પિસ્તોલ, સ્વદેશી બનાવટના રોકેટ લોન્ચરો મળી આવ્યા હતા.

તપાસ દરમિયાન ૧૦૦ મોબાઇલ ફોન, ૧૩૫ સિમકાર્ડ અને એક લેપટોપ, શ્રેણીબદ્ધ ઇલેક્ટ્રોનિક ગેજેટો અને દારુગોળાનો જથ્થો મળી આવ્યો હતો.  પોતાના નાણાંથી આ ગતિવિધિ ચાલી રહી હતી. પોતાના ઘરેથી સોનાની ચોરી કરવામાં આવી રહી હતીઅને પોતાની પ્રવૃત્તિ માટે ફંડ એકત્રિત કરવાની ગતિવિધિ ચાલી રહી હતી. એનઆઈએ દ્વારા ૧૭થી વધુ સ્થળોએ વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા શખ્સોની આકરી પુછપરછ કરવામાં આવી હતી. ૧૬ શકમંદોની પુછપરછ  કરાયા બાદ ૧૦ની ધરપકડ કરાઈ હતી જેમાં મૌલવીથી લઇને સિવિલ એન્જિનિયરોનો સમાવેશ થાય છે. હાલમાં આઇએસના મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. દિલ્હી અને દેશના કેટલાક ભાગોમાં બ્લાસ્ટ કરવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. આ તમામ લોકોની ધરપકડ કરવામાં આવ્યા બાદ પોલીસ અધિકારીઓએ માહિતી આપી હતી કે આ શખ્સો કેટલીક મોટી હસ્તી, પ્રતિષ્ઠિત સ્થળો અને દિલ્હીના બજારોને ટાર્ગેટ બનાવવાની યોજના ધરાવતા હતા. દિલ્હી અને ઉત્તરપ્રદેશ સહિત ૧૬ સ્થળો પર વ્યાપક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજે દરોડા પાડવામાં આવ્યા ત્યારે ઘરમાં રહેલા લોકોની પુછપરછ કરવામાં આવી હતી. હજુ પુછપરછ જારી રહેશે.

Previous articleઅંતરિક્ષની સીમાઓની પાર નિકળ્યું સ્પેસક્રાફ્ટ, પૃથ્વી બનવાની પ્રક્રિયા પર રિસર્ચ કરશે
Next articleકાયદાકીય પ્રક્રિયા બાદ જ મંદિર મુદ્દે વટહુકમ : મોદી