અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે કરવામાં આવેલી માંગ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંદિર મુદ્દે સ્પષ્ટ વાત કરીને આ અંગે ચાલી રહેલી અટકળોનો અંત આણી દીધો હતો. વર્ષ ૨૦૧૯ના પ્રથમ દિવસે પ્રથમ ઇન્ટરવ્યુમાં મોદીએ રામમંદિર, નોટબંધી, ભ્રષ્ટાચાર અને આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલ સહિત જુદા જુદા વિષય પર સ્પષ્ટ વાત કરી હતી. સાથે સાથે કોંગ્રેસ પાર્ટી પર તેજાબી પ્રહારો કર્યા હતા. રામમંદિરના મુદ્દે મોદીએ કહ્યુ હતુ કે રામમંદિરના નિર્માણના મામલે કોઇ પણ વટહુકમ તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવ્યા બાદ જ લાવવામાં આવશે. કાયદાકીય પ્રક્રિયા વચ્ચે કોઇ વટહુકમ લાવવાની અટકળોને મોદીએ ફગાવી દીધી હતી. તેમણે કહ્યુ હતુ કે રામ મંદિરના મુદ્દા પર વિલંબ થઇ રહ્યો છે. તેના માટે કોંગ્રેસ પાર્ટી જવાબદાર છે. મોદીએ સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે રામમંદિરના મુદ્દે કોંગ્રેસ પાર્ટીના વકીલ સુપ્રીમ કોર્ટાં અડચણો ઉભી કરી રહ્યા છે. જેથી રામમંદિરના નિર્માણ મામલે સુનાવણી ધીમી ગતિથી આગળ વધી રહી છે. રામમંદિર હજુ પણ ભાજપ માટે ઇમોશનલ મુદ્દો છે તે અંગે પુછવામાં આવતા મોદીએ કહ્યુ હતુ કે અમે અમારા ચૂંટણી ઢંઢેરામાં સાફ શબ્દોમાં કહી ચુક્યા છીએ કે આ મુદ્દાનો ઉકેલ બંધારણીય રીતે જ લાવવામાં આવનાર છે.
ભાજપે લોકસભા ચૂંટણીના પોતાના ઘોષણાપત્રમાં સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે તે રામ મંદિરનુ નિર્માણ ઇચ્છે છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા રામમંદિર નિર્માણ માટેની માંગ કરવામાં આવી રહી છે. મોદીએ નવા વર્ષના પ્રથમ દિવસે વ્યાપક ઇન્ટકવ્યુ આપ્યુ હતુ. જેમાં વિવિધ વિષય પર વાત કરી હતી. આ વાતચીતમાં મોદીએ કહ્યુ હતુ કે નોટબંધી કોઇ ઝટકો ન હતો. અમે એક વર્ષ પહેલા જ લોકોને ચેતવણી આપી ચુક્યા હતા કે જો આપની પાસે કોઇ કાળા નાણાં છે તો તેઓ સ્વૈચ્છિક રીતે જમા કરી શકે છે.
જો દંડની રકમ ચુકવી દેવામા ંઆવશે તો મદદ કરવામાં આવશે. જો કે કાળા નાણાં ધરાવનાર લોકો માની રહ્યા હતા કે ભુતકાળની જેમ મોદી પણ કામ કરશે. જેથી કાળા નાણાં જમા કરવા માટે ખુબ ઓછા લોકો આગળ આવ્યા હતા.
આરબીઆઇના ગવર્નર તરીકે થોડાક સમય પહેલા રાજીનામુ આપનાર ઉર્જિત પટેલના મામલે મોદીએ કહ્યુ હતુ કે વિપક્ષના આરોપો આધારવગરના છે. વિપક્ષના આરોપો રહ્યા છે કે સરકારના દબાણના કારણે ઉર્જિત પટેલે રાજીનામુ આપ્યુ હતુ. મોદીએ વિપક્ષના આરોપોનો જવાબ આપતા કહ્યુ હતુ કે ઉર્જિત પટેલે પોતે વ્યક્તિગત કારણોસર રાજીનામુ આપ્યુ હતુ. મોદીએ કહ્યુ હતુ કે તેઓ પહેલી વખત આ બાબત કહી રહ્યા છે કે ઉર્જિત ૬-૭ મહિનાથી રાજીનામુ આપી દેવા માટે તેમને કહી રહ્યા હતા. ઉર્જિતે લેખિતમાં પણ આ વાત કરી હતી. રાજકીય કોઇ દબાણ હોવાનો મોદીએ સાફ ઇન્કાર કર્યો હતો. ઉર્જિત પટેલની પ્રશંસા કરતા મોદીએ કહ્યુ હતુ કે ઉર્જિત આરબીઆઇના ગવર્નર તરીકે ખુબ સારુ કામ કરી રહ્યા હતા. મોદીએ આર્થિક મુદ્દા પર વાત કરી હતી. મોદીએ પોતાના ઇન્ટરવ્યુ દરમિયાન આક્ષેપ કરતા કહ્યુ હતુ કે દેશ પર ચાર પેઢીથી શાસન કરનાર અને પોતાને પ્રથમ પરિવાર તરીકે સમજનાર લોકો આજે જામીન પર છે. આ લોકો પણ નાણાંકીય અનિયમિતતાના કારણે જામીન પર છે. મોદીએ કહ્યુ હતુ કે તેમના પરિવારના સભ્યો જામીન પર બહાર હોવાની બાબત ખુબ મોટી બાબત છે. કેટલાક લોકો આજે પણ એવા છે જે નહેરુ ગાંધી પરિવારની સેવામાં લાગેલા છે. આ લોકો ગુપ્ત માહિકી આપી રહ્યા નથી. માહિતી બહાર આવે તેમ ઇચ્છતા નથી. મોદીએ તમામ વિષય પર વિસ્તારપૂર્વક વાત કરી હતી. રામમંદિરના મુદ્દા પર તેમના નિવેદનને ખુબ ઉપયોગી ગણવામાં આવે છે. કારણ કે હિંસક આંદોલન પ આ મામલે થઇ ચુક્યા છે. ભાજપના લોકો અને વિહીપ તેમજ સંઘના લોકો પણ મંદિર નિર્માણના મામલે વાત કરતા રહ્યા છે. આવી સ્થિતીમાં મોદીએ આ વાત કરીને અટકળો અને માંગનો અંત લાવી દીધો છે. જે રીતે ત્રિપલ તલાક પર વટહુકમ લાવવામાં આવ્યો તેવી જ રીતે મંદિર મુદ્દે પણ વટહુકમ લાવવા માટેની માંગ કરવામાં આવી છે. જો કે મોદીએ સાફ શબ્દોમાં કહ્યુ છે કે કાયદાકીય પ્રક્રિયા પહેલા કોઇ વટહુકમ મંદિર નિર્માણ મામલે લવાશે નહીં.વર્ષ ૨૦૧૯માં અટલે કે આ વર્ષે લોકસભાની ચૂંટણી પણ થનાર છે.