બોલિવુડના દિગ્ગજ અભિનેતા કાદરખાનનુ લાંબી માંદગી બાદ ૮૧ વર્ષની વયમાં અવસાન થયુ છે. તેમની તબિયત હાલમાં ખરાબ હતી. તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. કાદરખાનના અવસાનથી બોલિવુડમાં અને તેમના ચાહકોમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. કાદર ખાને ૩૦૦થી વધારે ફિલ્મોમાં કામ કર્યુ હતુ. સાથે સાથે ૨૫૦થી વધારે ફિલ્મોમાં સંવાદ લખ્યા હતા. અભિનેતા કાદરખાને જે ફિલ્મોમાં સંવાદ લખ્યા હતા તે અમર ફિલ્મો છે. મનમોહન દેસાઇની સાથે મળીને ધર્મવીર, ગંગા જમુના સરસ્વતી, કુલી, દેશ પ્રેમી, સુહાગ, અમર અકબર એન્થોન અને મહેરાન સાથે જ્વાલા મુખી, શરાબી, લાવારીસ, મુકદ્દર કા સિકન્દર,જેેવી ફિલ્મોમાં યાદગાર સંવાદ લખ્યા હતા.
ખાને કુલી નંબર વન, મે ખેલાડી તુ અનાડી,, કર્મા, સલ્તનત જેવી ફિલ્મોના સંવાદ પણ લખ્યા હતા. કાદરખાનને તેમના ચાહકો ક્યારેય ભુલી શકશે નહીં. કાદર ખાને વર્ષ ૧૯૭૩માં આવેલી ફિલ્મ દાગ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. પોતાના ભવ્ય અભિનયના કારણે ત્યારબાદ ક્યારેય પાછળ વળીને જોયુ ન હતુ. દાગ ફિલ્મમાં રાજેશ ખન્નાની મુખ્ય ભૂમિકા હતી. તે પહેલા કાદર ખાન રણધીર કપુર અને જયા બચ્ચનની ફિલ્મ જવાની દિવાનીના સંવાદ લખી ચુક્યા હતા. એક પટકથાકાર અને લેખક તરીકે તેમની છાપ ખુબ જોરદાર રહી હતી. અમિતાભ બચ્ચન, મનમોહન દેસાઇ અને પ્રકાશ મહેરા સાથે કાદરખાને ખાસ લોકપ્રિયતા જગાવી હતી. કાદરખાનને ખાસ પ્રકારની તકલીફ હતી. જેના કારણે તેમના દિમાગે કામ કરવાનુ બંધ કર દીધુ હતુ. તેમની તબિયત અંગે માહિતી મળ્યા બાદથી જ લાખો કરોડો ચાહકો તેમની તબિયતને લઇને ચિંતાતુર હતા. બે દિવસ પહેલા તેમના અવસાનના સમાચાર આવ્યા બાદ આખરે આ સમાચાર અફવા સાબિત થતા ચાહકોને રાહત થઇ હતી. જો કે આજે સવારે કાદરખાનના પુત્ર સરફરાજે વાતચીતમાં કહ્યુ હતુ કે તેમના પિતાનુ અવસાન થયુ છે. કાદરખાન હવે અમારી વચ્ચે રહ્યા નથી. સરફરાજે કહ્યુ હતુ કે ૩૧મી ડિસેમ્બરના દિવસે સાંજે છ વાગે ભારતીય સમય મુજબ કાદર ખાને અંતિમ શ્વાસ લીધા હતા. કાદર ખાનના અંતિમ સંસ્કાર કેનેડામાં જ કરવામાં આવનાર છે. સરફરાજે કહ્યુ છે કે અમારા પરિવારના તમામ સભ્યો અહીં કેનેડામાં હોવાથી ત્યાં જ અંતિમ સંસ્કાર સાથે સંબંધિત વિધી કરવામાં આવનાર છે. કાદર ખાને તમામ પ્રકારની ભૂમિકા અદા કરી હતી. જેમાં વિલન, સહાયક અભિનેતા, કોમેડી અભિનેતાનો સમાવેશ થાય છે.
સાથે સાથે ફિલ્મની પટકથા લખવામાં ખાસ કુશળતા ધરાવતા હતા. કેરિયરના છેલ્લા તબક્કામાં કાદરખાન કોમેડી રોલ કરી રહ્યા હતા. કાદર ખાનના અવસાનના સમાચાર મળતાની સાથે જ બોલિવુડમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. તમામ ટોપ સ્ટારે પોત પોતાની પ્રતિક્રિયા આપી હતી.બોલિવુડના તમામ સ્ટાર સાથે કાદર ખાને કામ કર્યુ હતુ. જેમાં અમિતાભ સાથે તો અનેક ફિલ્મો કરી હતી. કાદરખાને પોતાની કેરિયર દરમિયાન અનેક મોટી સિદ્ધી હાંસલ કરી હતી. કાદર ખાનની યાદગાર ફિલ્મોની વાત કરવામાં આવે તો યાદી ખુબ મોટી રહેલી છે. પરંતુ તેમની કોમેડી ફિલ્મોના કારણે તેમને વધારે યાદ રાખવામાં આવનાર છે. જે ફિલ્મો કાદરખાને કેરિયરના છેલ્લા તબક્કામાં કરી હતી. તેમાં કોમેડી ફિલ્મ વધારે હતી. જેમાં બાપ નંબરી બેટા દસ નંબરી, દુલ્હે રાજા, કુલી નંબર વન, સાજન ચલે સસુરાલ, મુઝસે શાદી કરી કરોગી, હિમ્મતવાલા, મે ખેલાડી તુ અનાડી, આંખે, સિક્કા અને હમ ફિલ્મનો સમાવેશ થાય છે. કાદરખાને પોતાની કેરિયરમાં ખતરનાક વિલનની ભૂમિકા પણ અદા કરી હતી. જેમાં જીતેન્દ્રની કેદી અને અમિતાભ બચ્ચનની ગિરફતાર ફિલ્મનો સમાવેશ થાય છે. ગોવિન્દા અને કાદરખાનની જોડી મોટા ભાગે ડેવિડ ધવનની ફિલ્મોમાં ચમકી હતી. જે સામાજિક ફિલ્મની સાથે સાથે કોમેડી ફિલ્મ હતી. વર્ષ ૧૯૮૩માં આવેલી હિમ્મતવાલા ફિમ બોક્સ ઓફિસ પર અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી ગઇ હતી. જેમાં જીતેન્દ્ર અને શ્રીદેવીની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મમાં કાદરખાને સહાયક અભિનેતાની ભૂમિકા અદા કરી હતી. ડેવિડ ધવનની ફિલ્મ આંખે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી.