ભગવાન સ્વામિનારાયણની કલ્યાણ પરંપરાના વર્તમાન જ્યોતિર્ધર અને યોગી ડિવાઈન સોસાયટીના પરમાધ્યક્ષ પરમ પૂજય હરિપ્રસાદ સ્વામીજીના ૮પમાં પ્રાગટ્ય દિનના અનુસંધાને આત્મિય યુવા મહોત્સવની ભવ્ય ઉજવણી તા.૬ જાન્યુઆરીએ ભાવનગર ખાતે થવાની છે. આ મહોત્સવમાં દેશ-વિદેશના દોઢ લાખથી વધુ ભાવિકો-યુવાનો ભાગ લેવાના છે. દર વર્ષે હરિપ્રસાદ સ્વામીજીનું પ્રાગટ્ય પર્વ જુદા જુદા શહેરો-જિલ્લાઓમાં ઉજવાય છે. આ વર્ષે ભાવનગરમાં વરતેજ-બુધેલ રોડ ઉપર સિદસર ગામ પાસે શાંતિલાલ શાહ એન્જીનિયરીંગ કોલેજ સામેના મેદાનમાં આ આયોજન થયું છે.
વરતેજ-બુધેલ રોડ પર સિદસર ગામ પાસે તા.૬ જાન્યુઆરીએ રવિવારે સાંજે પ-૦૦થી મહાપ્રસાદ અને ત્યારબાદ સાંજે ૬-૩૦ થી ૯-૩૦ આત્મિય યુવા મહોત્સવનો મુખ્ય સમારોહ યોજાશે. પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં યોજાનારા આ યુવા મહોત્સવમાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ઉપરાંત દેશના જુદા જુદા પ્રદેશ-રાજ્યો તેમજ અમેરિકા, ઈંગ્લેન્ડ, કેનેડા, જર્મની, સ્વીત્ઝરલેન્ડ, પોલેન્ડ, સીંગાપોર, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફ્રાંસ, કેન્યા, યુએઈ વગેરે દેશોમાંથી દોઢ લાખ જેટલા યુવાનો-ભાવિકો ભાગ લેવા આવવાના છે.
મહોત્સવ માટે આ વર્ષે ભાવનગરની પસંદગી અંગે વાત કરતા ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણે આ પૃથ્વી પટે પોતાના યુગકાર્યના વિસ્તરણ માટે ગોહિલવાડની પૂણ્યવંતી ધરાને પસંદ કરી. સેજકજી ગોહિલથી માંડીને મહારાજા કૃષ્ણકુમારસિંહજી સુધીના પ્રજાવત્સલ રાજવીઓએ ખરા અર્થમાં પ્રજાના માવતર બની રહીને આત્મિયતાનો આદર્શ રચ્યો.
પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીએ કહ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણે ઈ.સ.૧૮૦૧માં સ્વામિનારાયણ પરંપરાની સ્થાપના કરીને સામાજીક સમરસતા અને આધ્યાત્મિક ચેતના પ્રસરાવવાનું યુગકાર્ય કરીને ભારતીય સંસ્કૃતિને પુષ્ટ કરી. ભગવાન સ્વામિનારાયણની અધ્યાત્મ પરંપરામાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજા યજ્ઞપુરૂષદાસજીએ અક્ષર-પુરૂષોત્તમની યુગલ ઉપાસના દ્વારા સાધકો માટે કલ્યાણની નવી દિશાનો નિર્દેશ કર્યો. હરિપ્રસાદ સ્વામીજી મહારાજના જીવન અને કાર્ય વિશે વાત કરતા ગુરૂપ્રસાદ સ્વામીએ કહ્યું હતું કે, હરિપ્રસાદ સ્વામીએ ગુરૂહરી યોગીજી મહારાજની ઉક્તિને વિસ્તૃત કરીને યુવકો મારૂ સર્વસ્વ છે તરીકે સ્વીકારીને ગુરૂભક્તિનો અર્ધ્ય અર્પણ કર્યો છે. યોગીજી મહારાજે યુવકોની સભા દ્વારા ચૈતન્ય મંદિરોના નિર્માણનો પ્રારંભ કર્યો ત્યારે હરિપ્રસાદ સ્વામીજી એટલે કે પૂર્વાશ્રમના પ્રભુદાસભાઈ પાયાના પથ્થર બનેલા.
મહોત્સવની તૈયારી છેલ્લા એક માસથી જોરદાર તૈયારી ચાલી રહી છે. પ્રેમસ્વરૂપ સ્વામી, હરિપ્રકાશ સ્વામી, જ્ઞાનસ્વરૂપ સ્વામી, ધર્મકિશોર સ્વામી વગેરેના માર્ગદર્શનમાં સ્વયંસેવકો સેવારત રહ્યાં છે. દોઢેક લાખ ભાવિકો ઉપસ્થિત રહેશે. આત્મિય સમાજ વતી નિર્મળજીવન સ્વામી, પ્રેમસ્વરૂપ સ્વામી, હરિપ્રકાશ સ્વામી, ધર્મકિશોર સ્વામી, વિઠ્ઠલદાસ પટેલ, જયંતિભાઈ મકવાણા, જનકભાઈ પટેલ, રમેશભાઈ ત્રાંગડિયા વગેરેએ ભાવિકોએ આત્મિય યુવા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે.