ઉમરાળા તાલુકાના ધોળા જંકશન ખાતે મોડીરાત્રીના સામાન્ય અકસ્માત બાબતે અસામાજીક તત્વો દ્વારા વેપારી પર હુમલો કરીને વેપારીનો સામાન ભરેલો ટ્રક સળગાવી દેવાતા રોષ ફેલાયો હતો. જયારે બનાવના વિરોધમાં વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી આરોપીઓને ઝડપી લેવા માંગ કરી હતી. ઘટનાના પગલે પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઉમરાળાના ધોળા જંકશન ખાતે કરિયાણાની દુકાન ધરાવતા સીંધી વેપારી શંકરમલ ઈશ્વરલાલ વધવા ગતરાત્રીના પોતાની કાર લઈને ઘરે જઈ રહ્યા હતાં. ત્યારે તેમની કાર બે બાઈક સાથે અથડાતા બોલાચાલી બાદ ધમાલ મચી જવા પામેલ જેમાં છ શખ્સો દ્વારા વેપારી પર જીવલેણ હુમલો કરી માર માર્યો હતો. જયારે ગંભીર ઈજા સાથે વેપારી શંકરમલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં.
આ બનાવ સંદર્ભે વેપારી શંકરમલે અમરદિપસિંહ પથુભા ગોહિલ, પ્રકાશસિંહ વનરાજસિંહ ગોહિલ, યોગેન્દ્રસિંહ નટુભા ગોહિલ સહિત છ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે. દરમ્યાન વેપારી પર સામાન્ય બાબતે હુમલો કરી માર મારવાના બનાવના વિરોધમાં આજે ધોળા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારીઓ પર હુમલાના બનાવને વખોડીને અસામાજીક તત્વોને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ સાથે ઉમરાળા પો.સ્ટે.માં રજુઆત કરી હતી. જયારે વેપારીઓએ આજે વેપાર-ધંધા સજજડ બંધ પાળી બનાવનો વિરોધ કર્યો હતો. આ બનાવથી ધોળા જંકશનમાં પોલીસ કાફલાના ધાડા ઉતર્યા હતા અને બંદોબસ્ત જાળવ્યો હતો અને આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતાં.