પેપર લીક કેસ : દહીંયા ગેંગના ૩ મુખ્ય આરોપીઓને પકડી પડાયા

673

ગુજરાત સહિત દેશભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડમાં એક મહિનાની સઘન તપાસના અંતે ગુજરાત પોલીસને બહુ મોટી સફળતા હાથ લાગી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, એટીએસ અને ગાંધીનગર પોલીસના સંયુકત ઓપરેશનમાં પેપર લીક કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આરોપીઓ એવા દહીંયા ગેંગના ત્રણ આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા છે. હરિયાણાના સોનીપતના વિનય રમેશકુમાર અરોરા, કર્ણાટકના બીડરના વતની મહાદેવ દત્તાત્રેય અસ્તુરે અને વિનોદ બંસીલાલ રાઠોડની પોલીસે ધરપકડ કરી સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. જેમાં એવી ચોંકાવનારી વાત સામે આવી હતી કે, હરિયાણા અને દિલ્હી સ્થિત આ પ્રોફેશનલ ગેંગે કર્ણાટના ત્રણ આરોપીઓની મદદથી કર્ણાટકના ઉડ્ડુપી જિલ્લાના મનીપાલ ખાતેના પ્રિન્ટીંગ પ્રેસમાંથી લોકરક્ષક દળના પ્રશ્નપત્રની ચોરી કરાવી હતી. આ પ્રકરણમાં પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપર લીક કરવામાં મદદગારી કરનારા ત્રણથી ચાર આરોપીઓ નાસતા ફરે છે, તેઓને પણ ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરાયા છે.

એમ અત્રે રાજયના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ જણાવ્યું હતું. લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડમાં હરિયાણા-દિલ્હીની દહીંયા ગેંગનો પર્દાફાશ કરવા અંગે પત્રકાર પરિષદ યોજી રાજયના ડીજીપી શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રોફેશનલ ગેંગ ગુજરાત, દિલ્હી, હરિયાણા સહિતના વિવિધ રાજયોમાં પેપર લીક કરવામાં આવતા હતા, ગેંગના ઘણા સભ્યો દેશમાં વિવિધ રાજયોમાં પેપર લીક અંગેના સંખ્યાબંધ કેસોમાં સંડોવાયેલા છે. પ્રોફેશનલ ગેંગના ઉપરોકત ત્રણ મુખ્ય આરોપીઓએ કર્ણાટકના સ્થાનિક ત્રણ આરોપીઓને રૂ.૩૦-૩૦ હજારમાં ગુજરાતના એલઆરડી પેપરની ચોરી કરવાનું કામ સોંપ્યુ હતું કે જે કર્ણાટકના મનીપાલ પ્રિન્ટીંગ પ્રેસમાં છપાવા માટે ગયુ હતુ. આ સહઆરોપીઓએ પ્રિન્ટીંગ પ્રેસની બાજુમાં આવેલા ડિસ્ટ્રકશન રૂમ મારફતે પ્રવેશ મેળવ્યો હતો અને પ્રિન્ટીંગમાં ડાઇ પર જે પેપર હતું, તેના ફોટા પાડી લીધા હતા અને પેપરની ચોરી કરી હતી. જો કે, આ સ્થળ પર સીસીટીવી કેમેરા નહી હોવાથી આરોપીઓની શોધખોળ ભારે મુશ્કેલ બની હતી પરંતુ ગુજરાત પોલીસે ડિજિટલ ફુટ પ્રિન્ટ્‌સ અને ટેકનીકલ ઇનપુટ્‌સ પર ખૂબ ભાર મૂકી સમગ્ર કેસમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી ત્રણેય મુખ્ય આરોપીઓને ઝડપી લીધા છે. પ્રિન્ટીંગ પ્રેસમાંથી ચોરી થયેલું આ પેપર રૂ.૫૦ લાખમાં અન્ય આરોપી વીરેન્દ્ર માથુરને અપાયુ હતુ અને વીરેન્દ્ર માથુર મારફતે દિલ્હીના સબ એજન્ટો મોનુ ઉર્ફે મનજીતસિંહ  સહિતના આરોપીઓને પહોંચાડયું હતું. દિલ્હીના આ સબ એજન્ટોએ ગુજરાતના આરોપીઓનો સંપર્ક કરી તેમને દિલ્હી લાવી પેપર પહોંચાડયું હતું. ગુજરાતના ઉમેદવારોને દિલ્હી લઇ જનાર નીલેશ ચૌહાણ, ઇન્દ્રવદન પરમાર, અશ્વિન પરમાર અને સુરેશ પંડયાની મુખ્ય ભૂમિકા સામે આવી હતી. આ સમગ્ર કૌભાંડમાં સૌપ્રથમ મહિલા આરોપી ઉમેદવાર રૂપલ શર્મા, ગાંધીનગર વાયરલેસ પીએસઆઇ પી.વી.પટેલ, મુકેશ મૂળજી ચૌધરી, મનહર પટેલની ધરપકડ થઇ હતી, જેમાં આરોપી યશપાલ જશવંતસિંહ સોલંકીનું નામ ખૂલ્યું હતું. યશપાલની ધરપકડ બાદ દિલ્હીના ગુજરાત પોલીસે આ સમગ્ર કૌભાંડમાં દિલ્હી ગેંગના મુખ્ય આરોપી વિનીત માથુર અને મધ્યપ્રદેશના રતલામથી અશોક સાહુની પણ ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં હરિયાણાના જ્જરના મનીષસિંહ બળવંતસિંહના નામનો ખુલાસો થયો હતો. આજે દહીંયા ગેંગના ત્રણ આરોપીઓને પકડયા બાદ પોલીસે હવે નાસતા ફરતા વધુ આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Previous articleવન ટાઇમ ફી ભરીને લાયસન્સ-પરવાનગી ચાલુ રાખી શકાશે : સીએમ વિજય રૂપાણી
Next articleરાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો આજથી શુભારંભ