રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો આજથી શુભારંભ

1221

મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ ગુરૂવાર તા.૩ જાન્યુઆરી-ર૦૧૯ના પોરબંદરથી રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના ૧૧માં ચરણનો પ્રારંભ કરાવશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અંત્યોદય-છેવાડાના માનવીના સર્વાંગી ઉત્થાન અને ગ્રામ સ્વરાજના ઉદ્દેશોને પાર પાડવા ર૦૦૯થી ગરીબોના સશકિતકરણ માટેનો આ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની વિવિધ વ્યકિતલક્ષી સહાયના લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળા દ્વારા એક જ છત્ર-અંડર વન વન અમ્બ્રેલા બધા લાભ કોઇપણ જાતના વચેટિયા વગર સીધા પારદર્શી રીતે મળી રહે તે હેતુસર વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ આ ગરીબ કલ્યાણ મેળાનો નવતર અભિગમ વિકસાવેલો છે. ર૦૦૯થી શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળાઓમાં અત્યાર સુધીમાં ૧૦ ગરીબ કલ્યાણ મેળાની રાજ્યવ્યાપી શૃંખલામાં ૧૪૯૧ મેળાઓ દ્વારા ૧.૩૪ કરોડ લાભાર્થીઓને ર૩૮૮૯.૬ર કરોડની સાધન-સહાય પૂરી પાડવામાં આવી છે. આ મેળાઓમાં સમગ્રતયા ૧૩.૯ર લાખ અનુસૂચિત જાતિ, ૩૪.પ૯ લાખ અનુસૂચિત જનજાતિ તથા ૬ર.પપ લાખ મહિલા લાભાર્થીઓને પણ આવરી લેવાયા છે. આ વર્ષે ગરીબ કલ્યાણ મેળાની ૧૧મી કડી તા.૩-૪ અને ૮ જાન્યુઆરી-ર૦૧૯ એમ ત્રણ દિવસો દરમ્યાન રાજ્યમાં યોજાશે. આ ૧૧મી કડીમાં અંદાજે ૧૧ લાખ ૮૩ હજાર લાભાર્થીઓ-દરિદ્રનારાયણને ૨૩૦૭ કરોડના સાધન-સહાયનું રાજ્યવ્યાપી વિતરણ થવાનું છે. ૩૩ જિલ્લાઓમાં ૩૯ ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ પ્રાંત, તાલુકા, નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓમાં પણ આ મેળાઓ યોજવામાં આવશે. મુખ્યમંત્રી આવતીકાલે ગરીબ કલ્યાણ મેળાના રાજ્યવ્યાપી પ્રારંભે સૌરાષ્ટ્રના સાગરકાંઠાના જિલ્લા પોરબંદરમાં તેમજ તા.૪ થી જાન્યુઆરીએ અછતગ્રસ્ત વિસ્તાર કચ્છના ભૂજ ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત રહી સાધન-સહાયના લાભોનું વિતરણ કરશે. તેઓ પોરબંદરમાં કુલ ૩૪૧૪ લાભાર્થીઓને ૧ર કરોડ ૭૪ લાખની સહાય-સાધન આવતીકાલે ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી આપવાના છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તા.૩ જાન્યુઆરીએ મહેસાણામાં તથા તા.૪ જાન્યુઆરીએ અમદાવાદ મહાનગરના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત રહેશે.

રાજ્યના ગરીબી રેખા હેઠળના લોકોનું જીવનધોરણ ઊંચુ લાવવા માટે અને તેમનો સર્વાંગી વિકાસ કરી સ્વનિર્ભર બનાવવાના આશયથી આ વર્ષે ર૦ હજાર સુધીની મર્યાદામાં આખા આંટાનું સિલાઇ મશીન, કડીયાકામની કીટ, પ્લમ્બર અને વેલ્ડરો માટે નવી ટેકનોલોજી પ્રમાણેના સાધનો તથા ખાસ કરીને મહિલાઓ રાજ્યની આર્થિક પ્રગતિમાં સ્વમાનભેર ભાગીદાર થાય તે માટે સખીમંડળોને ૪૭૦૦૦ની મર્યાદામાં પેપર કપ, પેપર ડીશ, મસાલા યુનિટ, બ્યુટી પાર્લર, મસાજ વગેરે કીટની સહાય આપવામાં આવશે. ગરીબ કલ્યાણ મેળામાં નવતર અભિગમ અપનાવીને આ વર્ષે ઉજવલા યોજના હેઠળના લાભાર્થીઓને ગેસ કનેકશન તથા રસોઇ માટે સ્ટેનલેસ સ્ટીલનું પ લીટરનું પ્રેસર કુકર રાજ્ય સરકાર આપશે.

આ સેવાયજ્ઞથી રાજ્યના ગરીબોના સશકિતકરણ અને આર્થિક ઉન્નતિનો વધુ ઉન્નત માર્ગ બની રહેવાનો છે. ગરીબ કલ્યાણ મેળાના આ ત્રિદિવસીય જનકલ્યાણ અભિયાનમાં ગરીબી નિર્મૂલનની સેવાભાવના સાથે રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ પદાધિકારીઓ પણ જોડાવાના છે.

Previous articleપેપર લીક કેસ : દહીંયા ગેંગના ૩ મુખ્ય આરોપીઓને પકડી પડાયા
Next articleઆધુનિક ટેક્નોલોજી દ્વારા અધિકારીઓના દરોડા : ખનીજ માફિયાઓમાં ફફડાટ