તાજેતરમાં ગાંધીનગરનાં રાયસણ સ્થિત સ્વર્ણિમ સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે રાજ્ય કક્ષાની વાડોકાઈ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ઈન્ડિયા વાડોકાઈ કરાટે-ડો એસોસીએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર અને વૈદિક પરિવારનાં સહયોગથી આ સ્પર્ધા યોજવામાં આવી હતી.
આ સ્પર્ધામાં ગાંધીનગર સહિત અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, આણંદ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ અને જામનગર જિલ્લાનાં ૪૩ર ચુનંદા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ગાંધીનગરની ટીમ ૩૦ ગોલ્ડ મેડલ્સ સાથે પ્રથમ સ્થાને રહી હતી જ્યારે દ્વિતીય સ્થાને રહેલ આણંદ જિલ્લાની ટીમે રપ ગોલ્ડ મેડલ્સ મેળવ્યા હતા.
આ સ્પર્ધામાં પ્રથમ સત્રનાં મેડલ્સ એનાયત કરવાના સમારોહમાં ભારત સરકારનાં કૃષિ રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. તેમની સાથે ગુજરાત સરકારનાં પૂર્વ મંત્રી રજનીકાન્તભાઈ રજવાડી, રોટરી ક્લબ ઓફ કેપિટલનાં સ્થાપક પ્રમુખ જગતભાઈ કારાણી, પ્રેસિડન્ટ ઈલેક્ટ ડૉ. અંકુરભાઈ પરમાર, વૈદિક પરિવારનાં મેનેજીંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ગાંધી રેડીયન્ટ સ્કુલ ઓફ સાયન્સનાં મેનેજીંગ ટ્રસ્ટી જે. ટી. છનીયારા ઉપસ્થિત રહ્યાં હતા. મહાનુભાવોની ઉપસ્થિતિમાં કેટલીક ફાઈનલ ફાઈટ્સ રમાડવામાં આવી હતી. ફાઈટ્સના અંતે પરસોત્તમભાઈ રૂપાલાનાં વરદ હસ્તે વિજેતા ખેલાડીઓને મેડલ્સ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રેન્શી ગૌરાંગભાઈ રાણાનાં માર્ગદર્શનમાં તૈયાર થઈ રહેલા ગાંધીનગરનાં ખેલાડીઓ દ્વારા કરાટેની વિવિધ ટેક્નિક્સનું અને સ્વરક્ષણની વિવિધ ટેક્નિક્સનું રોમાંચક નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
કરાટે એસોસીએશનનાં ટેક્નિકલ ડાયરેક્ટર શિહાન અરવિંદભાઈ રાણાએ મંચસ્થ અતિથિઓને આવકાર્યા હતા અને તેમને સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમનું સ્વાગત કર્યું હતું. પ્રથમ સત્રનાં સમારોહનાં મુખ્ય અતિથિ તરીકે પરસોત્તમભાઈ રૂપાલાએ પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે કરાટેની કળાના અભ્યાસથી બાળકોમાં શિસ્ત, સાહસિકતા, પરાક્રમની ભાવના બળવાન બને છે. કરાટે શીખવાથી શારીરિક શક્તિઓ વિકસિત થાય છે. તેમણે કરાટેમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને આવી કળાને પસંદ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
સ્પર્ધાનાં સમાપન પ્રસંગે ગુજરાતનાં પૂર્વ મંત્રી અને વાડોકાઈ કરાટેનાં ગુજરાતનાં પ્રમુખ રજનીકાન્તભાઈ રજવાડી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે વિજેતા ખેલાડીઓને મેડલ્સ એનાયત કર્યા હતા. કરાટે એસોસીએશનનાં ભારતનાં ટેક્નિકલ ડાયરેક્ટર અને વાઈસ ચેરમેન શિહાન અરવિંદભાઈ રાણા તથા રજનીકાન્તભાઈ રજવાડીનાં વરદ હસ્તે ગાંધીનગરની ટીમને ચેમ્પિયન ટ્રોફી અને આણંદની ટીમને રનરઅપ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.