લોકસભાની ચૂંટણી અગાઉ દલિતો સાથે સંપર્ક વધારવા અને વિશ્ર્વ વિક્રમ બનાવવા માટે ભાજપ અમિત શાહની દિલ્હીની રેલી વખતે અંદાજે ત્રણ લાખ દલિતોના ઘરેથી ભેગાં કરેલા ચોખા અને દાળથી ૩૦૦૦ કિલો ખીચડી રાંધશે. રામલીલા મેદાનમાં ભીમ મહાસંગમ રેલી વખતે દિલ્હી ભાજપના એસસી મોર્ચાના કાર્યકર્તાએ ભેગી કરેલી સામગ્રીમાંથી સમરસ ખીચડી રાંધવામાં આવશે. રેલીને ભાજપ પ્રમુખ અમિત શાહ સંબોધશે. દિલ્હી ભાજપ એસસી મોર્ચાના પ્રમુખ મોહનલાલ ગિહારાએ જણાવ્યું હતું કે ત્રણ લાખ દલિત ઘરોમાંથી અમે અંદાજે બે લાખ ઘરોમાંથી સામગ્રી ભેગી કરી લીધી છે અને બાકીના ઘરોમાંથી પણ ટૂંક સમયમાં સામગ્રી ભેગી કરી લેવામાં આવશે.
આ સાથે અમે ગિનિસ બુકના સંપર્કમાં છીએ અને આ કાર્યક્રમની નોંધ વિશ્ર્વ રેકોર્ડ તરીકે થાય એનો પ્રયાસ કરી રહ્યા છીએ.
હાલ સૌથી વધુ ૯૧૮.૮ કિલો ખીચડી રાંધવાનો વિક્રમ પ્રખ્યાત શેફ સંજીવ કપૂર અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા ફેસ્ટિવલ વખતે નવેમ્બર ૨૦૧૭માં દિલ્હીમાં બનાવ્યો હતો.