સરકાર રામ મંદિર માટે કાયદો બનાવે, કોર્ટના નિર્ણયની વધુ રાહ ન જોઈ શકાય : વીએચપી

725

લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ રામ મંદિરને લઈને હિન્દુવાદી સંગઠનો ઉગ્ર વલણ અપનાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે આપેલા  ઈન્ટરવ્યૂમાં રામ મંદિર અંગે અધ્યાદેશ લાવવાના કરેલા ઈનકાર બાદ વિશ્વ હિન્દુ પરિષદે તેમના આ વલણ અંગે અસંમતિ દર્શાવી છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે કહ્યુ હતુ કે કુંભ મેળાના ભાગરુપે ૩૧ જાન્યુઆરી અ્‌ને એક ફેબ્રુઆરીએ પ્રયાગ ખાતે ધર્મસંસદમાં નક્કી થશે કે રામ મંદિર  નિર્માણનો આગળનો રસ્તો કેવો હશે.અમે કોર્ટના આદેશનો રામ મંદિર નિર્માણ માટે ઈંતેજાર નહી કરી શકીએ.જ્યાં સુધી મંદિર નહી બને ત્યાં સુધી વિહિપ અવાજ ઉઠાવતુ રહેશે. તેમણે કહ્યુ હતુ કે પીએમ સહિત સત્તામાં બેઠેલા તમામ લોકોનુ વલણ બદલવા માટે અમારો પ્રયાસ ચાલુ રહેશે.મંદિર નિર્માણ માટે સંસદમાં કાયદો લાવવામાં આવે તે માટે અમારો આગ્રહ ચાલુ રહેશે.આલોક કુમારે કહ્યુ છે કે રામમંદિરનો મામલો લાંબા સમયથી સુપ્રીમ કોર્ટમાં લટકેલો છે. આ મામલો ૬૯ વર્ષથી ફસાયેલો છે. સુપ્રીમ કોર્ટમાં હજી સુધી ન્યાયાધીશોની ખંડપીઠ પણ બની નથી. તેમને પુછવામાં આવ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા અને બંધારણીય મર્યાદાઓના આધારે મંદિર નિર્માણની વાત કરી છે. તેના સંદર્ભે વીએચપીએ કહ્યું હતું કે તેઓ પોતાની કોશિશોને ચાલુ રાખશે.

જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીતના સત્તામાં બેઠેલા લોકોના મન બદલી શકાય. વીએચપી સુપ્રીમ કોર્ટના ચુકાદા સુધી રાહ જોઈ શકે નહીં. તેની સાથે જ તેઓ રામમંદિર નિર્માણને લઈને સંસદમાં કાયદો લાવે તેના માટે તેઓ સરકારને આગ્રહ કરતા રહેશે.

એસસી-એસટી એક્ટમાં સરકાર દ્વારા કરવામાં આવેલા પરિવર્તનને ટાંકીને આલોક કુમારે કહ્યુ હતુ કે સરકારની પાસે અધિકાર છે કે તેઓ મંદિર નિર્માણ માટે કાયદો બનાવી શકે છે. મોટાભાગના સાંસદો મંદિર નિર્માણ માટે સંસદ દ્વારા કાયદો બનાવાવની વાતનું સમર્થન કરે છે. તેમણે કહ્યુ છે કે વીએચપીને લાગે છે કે વડાપ્રધાન મોદી મંદિર નિર્માણને લઈને પ્રતિબદ્ધતા દર્શાવી તે સારી લાગી. પરંતુ વટહુકમને લઈને તેમના ટાઈમિંગનો સવાલ છે.

વીએચપી તેમને અભિપ્રાય આપશે કે તેઓ આમા ફેરફાર કરીને અત્યારે વટહુકમ લઈને આવે. વીએચપીના કાર્યાધ્યક્ષ આલોક કુમારે કહ્યુ છે કે અમેઠી અને રાયબરેલીના લોકોએ રામમંદિર માટે ત્યાંના સાંસદોની સાથે મુલાકાતનો સમય માંગ્યો છે. જ્યારે અમેઠી અને રાયબરેલીના સાંસદો સમય આપશે. ત્યારે તેમની મુલાકાત કરવામાં આવશે.

આલોક કુમારે કહ્યુ છે કે તેમણે રામમંદિર નિર્માણને લઈને ૩૫૦થી વધુ સાંસદોની મુલાકાત કરી છે. તમામે રામંદિર નિર્માણ પર ટેકો આપ્યો છે. આલોક કુમારે કહ્યુ છે કે રામમંદિર મામલે વારાણસીના સાંસદની સાથે પણ મુલાકાત કરાશે. મહત્વપૂર્ણ છે કે અમેઠીથી રાહુલ ગાંધી, રાયબરેલીથી સોનિયા ગાંધી અને વારાણસીથી નરેન્દ્ર મોદી લોકસભાના સાંસદ છે.

Previous articleઅમિત શાહની રેલી વખતે ભાજપ ૩,૦૦૦ કિલો ખીચડી રાંધશે
Next articleવિજ્ઞાનને સત્ય સિવાય કશુ ખપતુ નથી : ખગોળ વૈજ્ઞાનિક જીતેન્દ્ર રાવલ