ગાંધીનગરથી બસમાં બેસીને સુરત આવેલી ૨૨ વર્ષની યુવતીને એક રિક્ષા ચાલક અને બીજો એક યુવાન મદદ કરવાને બહાને સીમાડા ગામના એક રૂમમાં લઈ જઈને બન્નેએ વારાફરથી બળાત્કાર ગુજારીને મોડી રાતે યુવતીને સ્મીમેર હોસ્પિટલના ગેટ પાસે મૂકીને ભાગી છૂટ્યા હતાં. જોકે બે પૈકીના એક યુવાનને મહિધરપુરા પોલીસે અટકાયત કરી લીધી છે.ગાંધીનગર સેક્ટર ૧૬માં રહેતી એક ૨૨ વર્ષિય યુવતી ઘરછોડીને ભાગી હતી.
આ યુવતી બસમાં બેસીને મોડી રાતે સુરત પહોંચી ગઈ હતી અને બસ ડેપોમાં બેઠી હતી. તે સમયે યુવતીને એકલી બેસેલી જોઈને એક રિક્ષાચાલક અને તેનો સાગરીત યુવતીની પાસે આવ્યા હતાં અને તારે ક્યાં જવું છે અમે તને મદદ કરીશું, એમ કહીને યુવતીને રિક્ષામાં બેસાડીને એક અજાણી જગ્યાએ એક રૂમમાં લઈ ગયા હતાં.
આ રૂમમાં બન્નેએ વારાફરથી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો અને રાતે બે વાગે યુવતીને સ્મીમેર હોસ્પિટલના ગેટ પાસે ઉતારીને ભાગી ગયા હતાં. યુવતી જ્યારે ઘરેથી ભાગી ત્યારે બસમાં જ કોઈએ તેને પાણી આપ્યું હતું તે પછી તેને ભાન રહ્યું નહતું અને તે કેવી રીતે સુરત આવી તે યુવતીને ખબર નથી જેમ તેમ યુવતી મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી અને પોતાની સાથે બનેલી ઘટનાની હકીકત કહી હતી.
પોલીસને તેણીએ રિક્ષા ચાલકનું નામ માત્ર છોટુ હોવાનું અને તેને જ્યાં લઈ જવાઈ હતી તે રૂમની નીચે ગાય અને ભેંસ બાંધેલી હતી તેવું આ યુવતીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું. છોટુ નામના રિક્ષાવાળાને પોલીસે શોધવાના ચક્રો ગતિમાન કર્યાં હતાં. મહિલા પોલીસને સાથે રાખીને યુવતીનું સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું હતું.
આ યુવતી ઘરેથી ભાગી ગઈ હોય તેના પરિવારની સભ્યોએ ગાંધીનગર પોલીસમાં તેને ગુમ થવા અંગે ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે મોડી સાંજે પોલીસે એક રામુ યુવાનની અટકાયત કરી હતી. અટકાયત બાદ યુવાને પ્રાથમિક તબક્કે એવી કબૂલાત કરી હતી કે યુવતીને સીમાડાના એક રૂમમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસ તેની વધુ પુછપરછ કરીને તેના સાગરીને શોધી રહી છે. સ્મીમેર હોસ્પિટલના ગેટ પાસે યુવતીને ઉતારતા બન્ને યુવાનો સીસીટીવી કેમેરામાં દેખાય છે.
ગેંગરેપનો શિકાર બનેલી ગાંધીનગરની યુવતી છેલ્લાં ઘણાં સમયથી ડિપ્રેશનમાં હતી. ડિપ્રેશનમાં જ તે ઘરેથી નીકળી ગઇ હતી. જ્યાં ગાંધીનગરથી બસમાં બેસી તેણી સુરત આવી પહોંચી હતી અને નાદુરસ્ત તબિયતને કારણે અચાનક ચક્કર આવતા ડેપોની બહાર રોડ પર ઢળી પડી હતી અને બાદમાં નરાધમો તેણીને ઉપાડી જઇ હવસનો શિકાર બનાવી હતી.