તાજેતરમાં સ્વચ્છ ભારત ઝુંબેશ અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટના રૂટિન ચેક-અપ દરમિયાન જાહેરમાં યુરિન કરવા બદલ ૯૬ શહેરીજનો પાસેથી દંડ પેટે ૭,૨૫૦ રૂપિયાની આવક થઈ છે.
આ સિવાય ગંદકી કરતા ૨૯૩ એકમો ચેક કરી રૂ.૯૧,૯૦૦ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ૨૭૧ એકમો પાસેથી રૂ. ૭૭,૨૦૦નો વહીવટી ચાર્જ વસૂલ્યો છે. આમ પૂર્વઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા કુલ ૬૬૦ એકમો ચેક કરી ૧,૭૬,૩૫૦ રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે.
સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ૪૮ ટીમ બનાવીને વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવે છે અને જાહેરમાં યુરિનલ કરવા પર ૫૦થી ૧૦૦ રૂપિયાનો દંડ ફટકારે છે.
દંડની રકમ કેવો વ્યક્તિ છે તેના આધારે નક્કી કરવામાં આવે છે, જો શિક્ષત અને સુખી સંપન્ન માણસ હોય તો ૫૦૦ રૂ. સુધીનો દંડ પણ કરવામાં આવે છે અને જો કોઈ ગરીબ લાગે તો તેની પાસેથી ૫૦ રૂ.નો દંડ કરવામાં આવે છે.