કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલને આજે સુપ્રીમ કોર્ટે મોટો ફટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અહેમદ પટેલને રાજ્યસભાની ચૂંટણીને લઇને ભાજપના ઉમેદવાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુનાવણીનો સામનો કરવા માટે આદેશ કર્યો છે.
કોર્ટે પટેલની અરજીને ફગાવતા કહ્યું હતું કે, ૨૦૧૭માં રાજ્યસભા માટે તેમની ચૂંટણીને પડકાર ફેંકતી ભાજપના ઉમેદવાર બળવતસિંહ રાજપૂતની અરજીના સંદર્ભમાં તેમને ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાયલનો સામનો કરવો પડશે.
સુપ્રીમ કોર્ટે ૨૬મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે ગુજરાત હાઈકોર્ટના આદેશમાં કોઇ દરમિયાનગીરી કરવાનો ઇન્કાર કર્યો છે. હાઈકોર્ટે એ વખતે કહ્યું હતું કે, રાજપૂતના આરોપો પર સુનાવણી કરવામાં આવે તે જરૂરી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ અને જસ્ટિસ સંજય કિશન કોલની બનેલી બેંચે અહેમદ પટેલની અરજીને ફગાવતા કહ્યું હતું કે, સુનાવણી કરવામાં આવે તે જરૂરી છે. અહેમદ પટેલે હાઈકોર્ટના એવા આદેશને પડકાર ફેંક્યો હતો જેમાં બળવંતસિંહ રાજપૂતની ચૂંટણી અરજી પર વિચારણા કરવા માટે પ્રશ્નો ઉઠાવનાર તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. પોતાની ચૂંટણી અરજીમાં રાજપૂતે ચૂંટણી પંચના એવા ચુકાદાને પડકાર ફેંક્યો હતો જેમાં બે બળવાખોર ધારાસભ્યોના મતને ગેરકાયદે ગણવામાં આવ્યા હતા. ભાજપ નેતાએ કહ્યું હતું કે, તેમના મતોને ગણવામાં આવ્યા હતા. પટેલને ગણાયા હોત તો હારનો સામનો કરવો પડ્યો હોત. અન્ય દલીલો પણ કરવામાં આવી હતી.