પંજાબના એક દિવસના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુરદાસપુરમાં એક વિશાળ રેલીને સંબોધી હતી.
ગુરદાસપુરમાં આયોજિત ધન્યવાદ રેલીમાં મોદીએ કરતારપુર કોરિડોર બનાવવાના નિર્ણયને લઇને કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી.
સાથે સાથે ૧૯૮૪ના શીખ રમખાણોના નામ ઉપર કોંગ્રેસ પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા. પંજાબના લોકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે, સાડા ત્રણ દશકથી રમખાણોના પીડિત લોકો હજુ ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે.
મોદીએ કહ્યું હતું કે, જે લોકોના ઇતિહાસ હજારો શીખ ભાઈ-બહેનોની હત્યાના છે તે જ લોકો આજે પણ રમખાણોના આરોપીને મુખ્યમંત્રી પદના એવોર્ડ આપી રહ્યા છે. આવા લોકોને પંજાબ સહિત દેશભરના લોકો ધ્યાનમાં રાખે તેની અપીલ મોદીએ કરી હતી. મોદીએ કહ્યું હતું કે, દેશ એવા લોકોથી સાવધાન રહે જે લોકોનો ઇતિહાસ રાષ્ટ્રીય સુરક્ષાને ખતરામાં મુકનાર રહ્યો છે. શીખ રમખાણોની તપાસને લઇને મોદીએ કહ્યું હતું કે, પહેલા દેશમાં એક રાજકીય પાર્ટીના ઇશારા ઉપર આરોપીઓને સજ્જન બતાવીને ફાઇલો દબાવી દેવામાં આવતી હતી પરંતુ વર્તમાનની એનડીએ સરકારે સત્તામાં આવતાની સાથે જ તપાસ માટે એસઆઈટીની રચના કરી હતી અને પરિણામ આજે લોકો જોઈ રહ્યા છે. કોંગ્રેસ પર જુઠ્ઠાણા અને છેતરપિંડીની રાજનીતિ કરવાનો આક્ષેપ કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, ખેડૂતોની વર્ષોની માંગ હતી કે, સ્વામીનાથનની ભલામણોને લાગૂ કરવામાં આવે પરંતુ કોંગ્રેસ પાર્ટીએ આને અમલી કરી ન હતી. એનડીએ સરકાર આવ્યા બાદ આને અમલી કરીને ખેડૂતોના સમર્થન મૂલ્ય દોઢ ગણા કરી દેવામાં આવ્યા છે. જે લોકો દશકો સુધી લઘુત્તમ સમર્થન મૂલ્ય પર નિર્ણય ટાળી રહ્યા હતા તેઓ આજે ખેડૂતોને ખોટા વચનો આપી રહ્યા છે. કોંગ્રેસે ૨૦૦૯માં ખેડૂતોને આવા જ વચન આપ્યા હતા. ખેડૂતોએ તમામ બાબત જાણીને પણ કોંગ્રેસ પાર્ટી ઉપર વિશ્વાસ કરી લીધો છે. ખેડૂતોએ વિશ્વાસ કરીને કોંગ્રેસને જીત અપાવી હતી પરંતુ આ વિશ્વાસની સજા પંજાબના ખેડૂતો આજે ભોગવી રહ્યા છે. ખેડૂતોને હાલમાં નોટિસ ફટકારવામાં આવી રહી છે. ખેડૂતોની લોન માફી થઇ નથી. ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ૨૦૦૯માં ખેડૂતો પર છ લાખ કરોડ રૂપિયાનું દેવું હતું પરંતુ લોન માફીના વચન સાથે સરકારમાં આવેલી કોંગ્રેસે પસંદગીના લોકોની લોન માફ કરી છે. દેશની જેમ જ પંજાબમાં પણ ખેડૂતોની લોન માફ કરવાની વાત કરવામાં આવી હતી પરંતુ આજે દોઢ વર્ષ બાદ પણ વાસ્તવિકતા શું છે તે તમામ લોકો જાણે છે. ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. કોંગ્રેસે અગાઉ પણ આવા લોકોની દેવા માફી કરી હતી જે ખેડૂત ન હતા. કોંગ્રેસે દશકો સુધી દેશમાં ગરીબી હટાવોના નામ ઉપર વિશ્વાસઘાત કરીને સત્તા આંચકી હતી. હવે લોન માફીના નામ ઉપર આવું જ કરવામાં આવી રહ્યું છે. વર્તમાન એનડીએની સરકાર ખેડૂતોને તાકાતવર બનાવવા માટે કામ કરી રહી છે. માત્ર લોન માફીથી આ સમસ્યાનો ઉકેલ આવશે નહીં. ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક કઈરીતે બે ગણી થાય તેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મોદીએ ઉમેર્યું હતું કે, ખેડૂતો પાસે વધારે નાણાં હાથમાં રહે તેવા પ્રયાસ થઇ રહ્યા છે. પોતાના પંજાબ પ્રવાસ પર પહોંચેલા મોદીએ પોતાના ભાષણની શરૂઆત પંજાબમાં લોકોના અભિવાદન સાથે કરી હતી. પંજાબી ભાષામાં નિવેદન કર્યું હતું. કરતારપુર કોરિડોરના નામ ઉપર કેન્દ્રની પ્રશંસા કરી હતી.