કેન્દ્ર સરકારે રૂ.૨ હજારની નોટ છાપવાનું બંધ કર્યુ…!!!?

648

નોટબંધીના અમલ સમયે નવેમ્બર ૨૦૧૬માં રજુ કરવામાં આવેલી રૂ.૨૦૦૦ની ચલણી નોટનું પ્રિન્ટીંગ ભારત સરકારે બંધ કર્યું હોવાનો અહેવાલ આવ્યો છે. એક અહેવાલ મુજબ નોટબંધીની જેમ, જોકે રૂ.૨૦૦૦ની નોટનું ચલણ બંધ કરવામાં નહી આવે પણ તબક્કાવાર તેને ચલણમાંથી દૂર કરવામાં આવે અથવા તેનું પ્રમાણ ઘટાડવામાં આવે તેવી શક્ય છે. કેન્દ્ર સરકારને એવી દહેશત છે કે રૂ.૧૦૦૦ની જગ્યાએ હવે લોકો રૂ.૨૦૦૦ની નોટનો ઉપયોગ કરી પૈસાનો સંગ્રહ કરી રહ્યા છે અને કર ભરવાથી બચી રહ્યા છે.

અહેવાલ અનુસાર પ્રશ્નોતરીનો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કોઈ જવાબ આપ્યો હતો નહિ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ રૂ.૧૦૦૦ અને રૂ.૫૦૦ની ચલણી નોટો બંધ કરી તેના સ્થાને રૂ.૨૦૦૦ની નોટ છાપવાની શરૂ કરવામાં આવી હતી. આની સાથે રૂ.૫૦૦ની નવી નોટ પણ બહાર પાડવામાં આવી હતી. માર્ચ ૨૦૧૮ના રોજ દેશમાં કુલ રૂ.૧૮.૦૩ લાખ કરોડની નોટ ચલણમાં હતી જેમાંથી રૂ.૬.૭૩ લાખ કરોડ કે ૩૭%ની રકમ રૂ.૨૦૦૦ના સ્વરૂપમાં હતી જયારે રૂ.૭.૭૩ લાખ કરોડ કે ૪૩% રૂ.૫૦૦ના સ્વરૂપમાં હતી. આ સિવાયનું બાકીનું ચલણ અન્ય નાની નોટના સ્વરૂપે હતું.

નોટ જયારે રજુ કરવામાં આવી ત્યારે જ નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે રૂ.૧૦૦૦ના સ્થાને વધુ મુલ્યની રૂ.૨૦૦૦ની નોટ કાળું નાણું સંગ્રહ કરનાર લોકોએ વધુ ફાયદો કરવી આપશે. વિરોધ પક્ષોએ જણાવ્યું હતું કે રૂ.૨૦૦૦ની નોટથી હવાલા, ટેકસ ચોરી અને નાણાનો સંગ્રહ વધુ સરળ બનશે અને સરકારે જે ઉદ્દેશ્ય સાથે નોટબંધીનો અમલ કર્યો છે તેની વિરુદ્ધ સ્થિતિ પેદા થશે. લોકોએ જોકે, રૂ.૨૦૦૦ની નોટોની અછત છે એવું ઘણા સમય પહેલા ફરિયાદ કરવાનું શરુ કર્યું હતું. વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન માત્ર ૭.૮ કરોડ જ આવી નોટો છાપી હોવાનું રિઝર્વ બેન્કે પોતાના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું. જયારે માર્ચ ૨૦૧૮ના અહેવાલ અનુસાર કુલ ૩૩૬ કરોડ કરોડ નોટ ચલણમાં હતી.

Previous articleપહેલા ગરીબી હટાવો અને લોન માફીના નામે ઠગાઈ : મોદી
Next articleજમ્મુ કાશ્મીરના મુદ્દા પર ગરમાગરમ ચર્ચા યોજાઈ