જમ્મુ કાશ્મીરના મુદ્દા ઉપર આજે રાજ્યસભામાં ગરમાગરમ ચર્ચા જામી હતી. ચર્ચાનો નાણામંત્રી અરુણ જેટલીએ મોડેથી જવાબ આપ્યો હતો. આ ચર્ચા દરમિયાન તમામ પક્ષોએ પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. કોંગ્રેસ પાર્ટીએ પણ આમા ભાગ લઇને આક્ષેપબાજીનો દોર ચલાવ્યો હતો. કોંગ્રેસના ગુલામ નબી આઝાદે કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા સાડા ચાર વર્ષના ગાળામાં કાશ્મીરમાં હિંસાની ઘટનાઓ વધી છે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ભંગ કરવાને લઇને પણ કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. બીજી બાજુ સરકાર તરફથી જેટલીએ આઝાદને જવાબ આપ્યા હતા અને કહ્યું હતું કે, કાશ્મીરની સમસ્યા કોંગ્રેસની સતત ખોટી નીતિઓના કારણે ઉભી થયેલી છે જેના પરિણામ આજે પણ રાજ્યના લોકો ભોગવી રહ્યા છે. કોંગ્રેસને ક્યારે પણ મુક્તિ મળી શકે તેવી સ્થિતિ નથી. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચુકેલા ગુલામ નબીએ કહ્યું હતું કે, કાશ્મીરના મુદ્દા ઉપર વાત કરવા માટે ઇતિહાસ જાણવાની જરૂર છે. જ્યાં સુધી ઇતિહાસમાં ધ્યાન અપાશે નહીં ત્યાં સુધી સરકાર ખોટુ કરશે.
જે ઇતિહાસ સાથે જોડાયેલી બાબત નથી તે બાબત પણ વચ્ચે આવી રહી છે. ૧૯૪૬થી કાશ્મીરમાં ટુનેશન થિયરી કાશ્મીરમાં સૌથી મોટો મુદ્દો છે. ગુલામ નબીએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપે રાજ્યમાં તોડફોડ કરીને સરકાર બનાવવાના પ્રયાસ કર્યા હતા. છેલ્લા ચાર વર્ષના ગાળામાં યુદ્ધવિરામનો સૌથી વધુ વખત ભંગ કરવામાં આવ્યો છે. સ્થાનિક નાગરિકોને સૌથી વધારે નુકસાન થયું છે. ચાર વર્ષમાં ત્રાસવાદી ઘટનાઓ ચરમસીમા ઉપર પહોંચી ચુકી છે. યુદ્ધવિરામના ભંગમાં સૌથી વધારે શહેરી લોકો આ ચાર વર્ષના ગાળા દરમિયાન માર્યા ગયા છે. તમામ મોરચા પર નિષ્ફળતા કાશ્મીરમાં હાથ લાગી ત્યારે પીડીપી સરકારને ટેકો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. આઝાદે કહ્યું હતું કે, ક્ષેત્રિય પાર્ટીઓ સમર્થન પરત લે છે પરંતુ અહીં કેન્દ્ર સરકારે ટેકો પાછો ખેંચ્યો હતો. આના જવાબમાં જેટલીએ કહ્યું હતું કે, કાશ્મીરમાં જે અલગ અસ્તિત્વની કલ્પના કરવામાં આવી હતી તે ૭૦ વર્ષમાં અલગતાવાદ તરફ વધી છે જે વચન કોંગ્રેસે આપ્યા હતા તેની કિંમત દેશના લોકો હજુ ચુકવી રહ્યા છે. સત્તામાં આવ્યા બાદ ઇતિહાસ તરફ ધ્યાન અપાયું ન હતું. ૧૯૫૭, ૧૯૬૨, ૧૯૬૭માં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી કઇ રીતે થતી હતી તેને લઇને અનેક લોકો લેખ લખી ચુક્યા છે. ૧૯૪૭માં જ્યારે સરહદ પારથી હુમલો કરાયો ત્યારે પ્રજા પરિષદના લોકોએ યોગદાન આપ્યું હતું. કોંગ્રેસ પાર્ટી અને શેખ અબ્દુલ્લાની વવચ્ચે રાજકીય ઘમસાણને યાદ કરતા જેટલીએ કહ્યું હતું કે, ૧૯૮૬માં શેક અબ્દુલ્લાએ સમજૂતિ કર્યા બાદ ૧૯૮૯ સુધી કાશ્મીરમાં જે ઘટનાઓ બની તે તમામ લોકો જાણે છે. જેટલીએ છેલ્લે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીર પર શ્યામાપ્રસાદ મુખર્જી સાચા હતા કે જવાહરલાલ નહેરુ સાચા હતા તે બાબત ઇતિહાસ નક્કી કરી શકે છે. જો આ બાબત નક્કી કરવામાં આવશે તો કોંગ્રેસ પાર્ટીને મુશ્કેલ થશે. અન્ય પાર્ટીઓન નેતાએ પણ પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવા જો કોઇ સૂચન કરાશે તો અમે સ્વીકારવા માટે તૈયાર છે. ત્રાસવાદીઓ સામે લડવામાં કોઇ રીતે પીછેહઠ કરવામાં આવશે નહીં. રાજનાથસિંહે એમ પણ કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીર માટે જેટલી રકમ વડાપ્રધાને પોતે પોતાની દેખરેખ હેઠળ આપી છે આ પહેલા ક્યારે પણ આપવામાં આવી નથી. ચર્ચા દરમિયાન આક્ષેપબાજીનો દોર ચાલ્યો હતો. ૃ