રાષ્ટ્રના ટેનિસ ફેડરેશને ટેનિસ ટૂરના કોઈપણ ખેલાડી જોડે કોઈ સિલેક્ટરને સીધો સંપર્ક ન રહેતો હોવાનું માલૂમ પડ્યા પછી પોતાના અગાઉના નિર્ણયમાં ફેરબદલી કરી ડેવિસ કપના કોચ ઝીશાન અલીને સિનિયર પસંદગી સમિતિમાં ફરી સ્થાન આપ્યું હતું.
ગુરુગાવ ખાતે તાજેતરમાં યોજાયેલ કારોબારીની બેઠકમાં એ. આઈ. ટી. એ. (ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિયેશન)એ ઝીશાન અને સમિતિના વડા એસ. પી. મિશ્રાને દૂર કરી તેઓના સ્થાને ભૂતપૂર્વ ખેલાડી વિશાલ ઉપ્પાલ અને અંકિતા ભામ્બ્રીની નિમણૂક કરી હતી. સમિતિમાં સ્થાન ધરાવેલ રોહિત રાજપાલને નવા વડા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને નંદન બાલ તથા બલરામ સિંહને સમિતિમાં જારી રાખવામાં આવ્યા હતા. “ઝીશાન ડેવિસ કપના કોચ તરીકે હંમેશાં ખેલાડીઓના સંપર્કમાં હોય છે અને અન્ય બધા સિલેક્ટરોમાંથી ફક્ત એ જ ખેલાડીઓ માટેની તાજી બાતમી પૂરી પાડી શકે છે જેથી તેને સમિતિમાં ફરી લાવવો જરૂરી બન્યું હતું, એમ રાજપાલે કહ્યું હતું.
રાજપાલે વધુમાં કહ્યું હતું કે ઉપ્પાલે નવી સમિતિની પહેલી બેઠકમાં હાજરી આપી ન હતી જેમાં ઈટલી સામેની ભારતની ટીમની પસંદગી કરવામાં આવી હતી. આ બાબતે સંપર્ક સાધવામાં આવતા ઉપ્પાલે કહું હતું કે તેણે સમિતિમાં પોતાની નિમણૂક માટે એ. આઈ. ટી. એ. તરફથી કોઈ લેખિત જાણ કરવામાં આવી ન હતી. પણ, એસોસિયેશને બહાર પાડેલી અખબારી યાદીમાં ઉપ્પાલનું નામ નવી સમિતિમાં જણાવવામાં આવ્યું હતું.