દીવ અને દમણ વચ્ચે ૬૦૦ કિલોમીટરનું અંતર ઓછું કરવા માટે શિપિંગ મંત્રાલયે ફેરી સર્વિસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે ટેન્ડર શરૂ કરવામાં આવ્યા છે. આ ફેરી સર્વિસ શરૂ થતા દીવ અને દમણનું ૬૦૦ કિલોમીટરનું અંતર ઓછુ થઈ જશે. ૧૦-૧૨ કલાકનું આ અંતર ફેરી સર્વિસનાં કારણે ૪ કલાકમાં જ પુરુ કરી શકાશે. દીવ અને દમણ વચ્ચેની ફેરી સર્વિસ ૮થી ૧૨ મહિના શરૂ રહેશે. મે મહિનામાં આ ફેરી સર્વિસ ચાલુ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા લાંબા સમયથી દીવ અને દમણ વચ્ચે ફેરી સર્વિસ શરૂ થવાની ચર્ચાઓ હતી. દીવ અને દમણનાં એડમિનિસ્ટ્રેશને આ ફેરી સર્વિસ માટે શિપિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાને ટેકનિકલ અને આર્થિક બાબતોને ધ્યાને લઇને સર્વે કરવા જણાવ્યું હતુ.
ફેરી સર્વિસ શરૂ થવાના કારણે દીવ અને દમણમાં ટૂરિઝમ વધશે. દક્ષિણ ગુજરાત અને દમણથી દીવનું અંતર લાંબુ હોવાથી દક્ષિણ ગુજરાતીઓ દીવની મુલાકાતે આવવાનું ટાળતા હોય છે. જો કે ફેરી સર્વિસ શરૂ થયા બાદ અહીં મુલાકાતીઓની સંખ્યામાં વધારો થશે.
ઉલ્લેખનીય છે કે દીવ અને દમણ વચ્ચે મે મહિનાથી ફેરી સર્વિસ શરૂ થયા બાદ દીવ અને દમણ વચ્ચેનું અંતર ૪૦૦ કિલોમીટર ઘટી જશે. રોડમાર્ગનું ૬૦૦ કિલોમીટરનું અંતર ઘટીને ૨૦૦ કિલોમીટર થશે.