ક્રેડાઈ રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન તથા ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયન ઈન્ટિરિયર ડિઝાઈનર્સ-સૌરાષ્ટ્ર ચેપ્ટર દ્વારા આયોજિત પ્રોપર્ટી એકસ્પો શોકેશ-૨૦૧૮નું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદ્ઘાટન કર્યું હતું.
આ એકસ્પોમાં ચાર દિવસ દરમિયાન બે લાખ લોકો હાજરી આપે તેવી આશા છે. મુખ્યમંત્રીએ આ એકસ્પોના આયોજન બદલ ક્રેડાઇ અને આરબીએને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે, આ પ્રકારના આયોજનથી લોકોને ઘરનું ઘર પસંદ કરવામાં ઘણી સરળતા રહે છે.
આ સમયે પત્રકારો સાથેની વાતચીતમાં સીએમ રૂપાણીએ કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટને એઈમ્સ આપવામાં આવી તે બદલ પીએમ મોદીનો આભાર માન્યો હતો. રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે ૫૫ વર્ષમાં ગુજરાતને એઇમ્સ ન આપી, મોદીએ ૪.૫ વર્ષમા કરી બતાવ્યું છે.
રાજકોટમાં યોજાયેલી પ્રોપર્ટી એક્સપોના ઉદ્ઘાટનમાં આવેલા સીએમ રૂપાણીએ સૌપ્રથમ ગુજરાતને એઇમ્સ આપવા માટે વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, દેશમાં ૫૫ વર્ષ સુધી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. તેમજ ગુજરાતના અનેક કોંગ્રેસી નેતાઓ દિલ્હીમાં રાજ કરતા હતા પરંતુ કોઈને ગુજરાતને એઇમ્સ અપાવાનું આટલાં વર્ષોમાં યાદ આવ્યું નહોતું.
આ એકસ્પોમાં લોકોએ સપનાનું ઘર વિચારેલ હશે તેવા પ્રોજેકટ પણ હશે તો સાથે સાથે ઘર વપરાશને લગતા તમામ ઈન્ટિરિયર ડિઝાઈનીગ તથા આકિર્ટેકચરલની તમામ જરૂરિયાત એક સ્થળે મળી રહેશે. આ ઉપરાંત પ્રોપર્ટી ડેવલપર્સ અને નાના-મોટા બિલ્ડર્સ, સેનેટેરીવેર્સ અને બાથ ફિટિંગ્સ, સ્ટોન અને ટાઈલ્સ ઉત્પાદકો, ડોર અને વિન્ડો, હાર્ડવેર અને ફનિર્ચર ફિટિંગ્સ, કીચન અને હોમ એપ્લાન્સીઝ, લાઈટ્સ અને ઈલેક્ટ્રિક આઈટમ્સ, પ્રિન્ટ અને કન્સ્ટ્રકશન કેમિકલ્સ, ડેકોરેટિવ ગ્લાસ અને ગ્લાસ ફિટિંગ્સ, એરકન્ડિશન્સ, બિલ્ડિંગ મટિરિયલ્સ, પ્રોફેશનલ અને ડિઝાઈન એકેડેમીક ઈન્સ્ટિટયુટ પણ જોડાયેલ છે.