આગામી વિધાનસભા ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં ર૦ બેઠકો પર બ્રાહ્મણ સમાજના ઉમેદવારોને ટીકીટ ફાળવવાની માંગ સાથે બ્રહ્મપડકાર સંગઠને બ્રહ્મત્વ એકતાનું અભિયાન આદર્યુ છે. તારીખ ૧૦-૯-ર૦૧૭ના રોજ ભાવનગર ખાતે બ્રહ્મપડકાર સંગઠનના ઉપક્રમે ત્રીજી મહારેલી યોજાઈ રહી છે. જેને સમગ્ર બ્રહ્મસમાજ અને અન્ય સમાજ દ્વારા વ્યાપક સમર્થન મળી રહ્યું છે અને ઠેર-ઠેર રેલીનું ભવ્યાતિભવ્ય સ્વાગત થશે.
આ અંગે વિશેષ વિગતો આપતા બ્રહ્મપડકારના કન્વીનર પૃથ્વી ભટ્ટએ જણાવ્યું કે, શહેરમાં આ રેલીને લઈ ૬૦થી વધુ સ્થળોએ હોર્ડીંગ્સ, બેનર લગાવાયા છે જે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે તો, આ રેલીને લઈ અત્યારથી જ સમસ્ત ભાવનગર શહેર તથા જિલ્લા ક્ષેત્રના બ્રહ્મસમાજના તમામ સંગઠનો, યુવા પાંખો તથા મહિલા સંગઠનોએ શુભેચ્છાઓ પાઠવી અને યોજાનાર રેલીમાં હજારોની સંખ્યામાં જોડાશે અને સમસ્ત બ્રહ્મસમાજના સંગઠન પર્વને ઉજાગર કરશે.
આ રેલીને સમસ્ત બ્રહ્મસમાજના સંતો, મહંતો તથા કથાકાર રામકૃષ્ણ શાસ્ત્રીજી રમેશભાઈ શુક્લ પાલીતાણા ભૈરવનાથ મંદિર મહંત તથા વકીલ ડોક્ટરએ આશિર્વાદ તથા અનુમોદના આપી તેઓ પણ રેલીમાં હાજર રહેશે. અશોક ત્રિવેદી (દાદા), બીપીનભાઈ શાસ્ત્રી, અજયભાઈ શુકલ, કેતનભાઈ જાની તથા બ્રહ્મસમાજ યુવા ટીમ સતત કાર્યરત છે.
આ બ્રહ્મ રેલીનું પ્રસ્થાન સવારે ૮ કલાકે આખલોલ બ્રીજ, આખલોલ મહાદેવથી થવાનું છે ત્યારબાદ વિવિધ વિસ્તારોમાં ફરીને છેલ્લે બપોરે ૧ કલાકે દુઃખીશ્યામબાપા આશ્રમ ખાતે પૂર્ણ થશે. આ બ્રહ્મરેલીમાં અંદાજે પ૦૦ મોટરસાયકલ, પ ઓપન જીપ, ૧૦ ટેબ્લો ટેમ્પો અને ૧પ૦ જેટલા ફોર વ્હીલ સામેલ થવાનો અંદાજ છે. આ રેલીમાં ડી.જે. સાઉન્ડ સિસ્ટમ પર રાષ્ટ્ર ભક્તિના ગીતો તેમજ પરશુરામના ગીતો અને ભજનો ગુંજશે.