ઓખીના કારણે મહારાષ્ટ્રના દરિયા કિનારા પર અને મુંબઈમાં અસર જોવા મળી, ઓખીના કારણે મુંબઈમાં કેટલાક વિસ્તારમાં રાતથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. જેમ જેમ ઓખી વાવાઝોડું ગુજરાતના તટ પ્રદેશમાં પહોંચી રહ્યું છે વાતાવરણમાં પલટા સાથે આફતો પણ વધી રહી છે. સુરતના કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીએ મંગળવાર બપોર પછીની સ્કૂલ કૉલેજો બંધ રાખવાનો અને બુધવારે રજા જાહેર કરવાનો આદેશ કર્યો છે. ત્યારે આ તરફ ઓલપાડ તાલુકાના 1672 લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. મોટાભાગના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. અલંગ શીપયાર્ડ ખાતે તકેદારીના પગલા ભરવામાં આવ્યા છે. નવસારીમાં દાંડી અને ઉભરાટ તો સુરતના સવાલી અને ડુમ્મસ દરિયા કિનારે જતા સહેલાણીઓને અટકાવવામાં આવ્યા છે. લગ્નની સિઝન ટાણે વાતાવરણમાં થયેલા પલટાના કારણે પણ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એક તરફ આજે અને કાલે ગુજરાતમાં રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર અને સભાઓ ગજવવાના છે ઓખીની મુશ્કેલીઓને જોતા કાર્યક્રમો રદ કરવા પડી શકે છે, આ તરફ ભાજપે અમિત અમિત શાહની સભાઓ રદ કરી છે, અને ભાજપના સુરતમાં યોજાનારા કાર્યક્રમોને પણ રદ કરવાની જાહેરાત ભાજપે કરી છે.