સિડની ટેસ્ટમાં ભારતની હવે પક્કડ મજબુત બની ગઇ છે. આજે ત્રીજા દિવસે વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે રમતને વહેલી તકે બંધ કરી દેવાની ફરજ પડી હતી. આજે ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ રમતને વહેલી તકે બંધ કરવામાં આવી ત્યારે છ વિકેટે ૨૩૬ રન કરી લીધા હતા. તેની ચાર વિકેટ હવે હાથમાં છે. તે હજુ ભારતથી ૩૮૬ રન પાછળ છે. આજે ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો સંઘર્ષ કરતા નજરે પડ્યા હતા. હેરીસે ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ ૭૯ રન કર્યા હતા. સોન માર્શ આઠ રન કરીને આઉટ થયો હતો. આજે રમત બંધ રહી ત્યારે હેન્ડ્સકોમ્બ ૨૮ અને કમીન્સ ૨૫ રન સાથે રમતમાં હતા. આ બંને પણ ઓસ્ટ્રેલિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટેના તમામ પ્રયાસ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાએ તેની છઠ્ઠી વિકેટ ૧૯૮ રને ગુમાવી દીધા બાદથી આ બંને વચ્ચે ૨૩૬ રન સુધી રમત આગળ વધી ચુકી છે. બંને ખેલાડીઓ મક્કમ બેટીંગ કરી રહ્યા છે. આવતીકાલની રમત તેમના માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. હેન્ડ્સકોમ્બ ઉપર મુખ્ય આધાર રહેશે. અગાઉની ટેસ્ટ મેચમાં પણ ઓસ્ટ્રેલિયામાં પૂછડિયા બેટ્સમેનો ઉપયોગી બેટીંગ કરી રહ્યા હતા. અગાઉ ભારતે ચેતેશ્વર પુજારાના ૧૯૩ અને ઋષભ પંતના ૧૫૯ રન અણનમની સહાયથી સાત વિકેટે ૬૨૨ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ પણ ૮૧ રન બનાવ્યા હતા. ભારતના જંગી જુમલાના જવાબમાં બીજા દિવસે રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાએ વિના વિકેટે ૨૪ રન બનાવ્યા હતા. હેરિશ ૧૯ અને ખ્વાજા પાંચ રન સાથે રમતમાં હતા. આજે બંને બેટ્સમેનોએ સ્કોરને આગળ વધાર્યો હતો. એક વખતે ઓસ્ટ્રેલિયાએ એક વિકેટ ગુમાવીને ૧૨૨ રન કરી લીધા હતા અને તેની સ્થિતી સારી દેખાઇ રહી હતી.