ગાંધીનગર જિલ્લામાં વિધાનસભાની પાંચ બેઠકો માટે આગામી તા.૧૪ ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં કુલ ૧૩૪૨ જેટલા મતદાન મથકો નિયત કરી દેવામાં આવ્યા છે જેમાં સૌથી વધારે ગાંધીનગર દક્ષિણમાં ૩૪૧ જેટલા મતદાન મથકો રહેવાના છે. જેમાં એક મતદાન મથક દીઠ પાંચ કર્મચારીઓ ફરજ બજાવશે તો જિલ્લામાં ૬૭૧૦ પોલીંગના કર્મચારીઓ રહેશે. તો બીજી બાજુ સર્કલ અને ઝોનલ સહિત ચુંટણી કામગીરીમાં કુલ ૧૦ હજારથી પણ વધારે કર્મચારીઓ રાખવામાં આવશે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે હાલ તૈયારીઓ ચાલી રહી છે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થવાનું ત્યારબાદ બીજા તબક્કામાં એટલે કે તા.૧૪ ડીસેમ્બરે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મતદાન થશે જેમાં ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ, માણસા, કલોલ અને દહેગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે હવે ચૂંટણીને દસ દીવસ જેટલો સમય બાકી રહયો છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ કામગીરી પુરઝડપે શરૃ કરવામાં આવી છે. જિલ્લામાં પાંચ વિધાનસભા બેઠકોમાં કુલ ૧૩૪૨ જેટલા મતદાન મથક નિયત કરવામાં આવ્યા છે જે પૈકી સૌથી વધારે ૩૪૧ જેટલા મતદાન મથકો ગાંધીનગર દક્ષિણ બેઠક માટે ઉભા કરવામાં આવનાર છે. ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એક મતદાન મથક દીઠ પાંચ કર્મચારીઓ એમ કુલ ૬૭૧૦ જેટલા કર્મચારીઓ રાખવામાં આવનાર છે જેમાં ઝોનલ અને સર્કલ મળી કુલ ચૂંટણી લક્ષી કામગીરીમાં દસ હજાર કરતાં વધુ કર્મચારીઓ જોતરાશે. આ સિવાય પોલીસ અને સીપીએમએફ સાથે કુલ ત્રણ હજારથી વધુ સુરક્ષા જવાનો પણ મતદાન મથકો ઉપર રાખવામાં આવનાર છે.