કાશ્મીર ખીણમાં શનિવારના દિવસે મોટાપાયે હિમવર્ષા થઈ હતી. જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. ભારે હિમવર્ષાના લીધે કાશ્મીર ખીણનો સંપર્ક દેશના જુદા જુદા ભાગોથી કપાઈ ગયો હતો. શ્રીનગર આંતરરાષ્ટ્રીય વિમાની મથકે પણ સેવા ખોરવાઈ ગઈ હતી. આવતીકાલે પણ હિમવર્ષા જારી રહે તેવી શક્યતા છે. ગુલમર્ગ, સોનમર્ગ, પીરપંજાલ, પહેલગામ સહિતના ઉંચાણવાળા વિસ્તારમાં હિમવર્ષા જારી રહી છે. શ્રીનગરમાં સવારથી જ માર્ગો પરથ બરફને દુર કરવાની કામગર જારી રાખવામાં આવી હતી. શ્રીનગર અને અન્ય જિલ્લાઓ વચ્ચે પરિવહન સેવા ઠપ રહી હતી. હિમવર્ષના પરિણામ સ્વરૂપે લોકોની હાલત કફોડી બનેલી છે. વીજળીની વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે. ખીણના મોટાભાગના વિસ્તારોમાં સવારે વીજળી ડુલ થઈ ગઈ હતી. પહેલગામમાં આજે માઈનસ ૨.૮ ડિગ્રી તાપમાન અને ગુલમર્ગમાં માઈનસ ૭.૩ ડિગ્રી તાપમાન રહ્યું હતું. કારગિલમાં માઈનસ ૧૫.૬ ડિગ્રી તાપમાન રહ્યું હતું. કટરામાં માઈનસ ૬.૪ ડિગ્રી તાપમાન રહ્યું હતું. બીજી બાજુ ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તર ભારતમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા સહિતના વિસ્તારોમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે.
ધુમ્મસ અને ઠંડીના કારણે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ટ્રેન અને વિમાની સેવા ઉપર માઠી અસર થઈ છે. સેવા ખોરવાતા મોટી સંખ્યામાં લોકોને તીવ્ર ઠંડીની સ્થિતિ વચ્ચે જુદા જુદા વિસ્તારમાં અટવાઈ પડવાની ફરજ પડી છે. સ્થિતિમાં સુધારો થાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. રાજસ્થાનના વિવિધ ભાગોમાં પારો પાંચથી ૧૦ની વચ્ચે રહ્યો હતો. પંજાબ અને હરિયાણામાં પણ આવી જ સ્થિતિ રહી હતી. દિલ્હીમાં પણ લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.