પંજાબ નેશનલ બેન્ક સાથે ૧૩ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને ફરાર થઈ ચુકેલા હીરા કારોબારી નિરવ મોદીએ ભારત પરત ફરવાનો ઈનકાર કરી દીધો છે. પ્રવેન્શનલ ઓફ મની લોન્ડરીંગ એક્ટ કોર્ટને મોકલવામાં આવેલા જવાબમાં નિરવ મોદીએ કહ્યું છે કે તેઓ સુરક્ષાના કારણોસર ભારત પરત ફરવા માટે ઈચ્છુક નથી. ઈડી તરફથી ફરાર આર્થિક અપરાધી ઘોષિત કરવાની અરજીના જવાબમાં નિરવ મોદીએ આ મુજબની વાત કરી હતી. નિરવ મોદીએ કહ્યું છે કે તેઓએ કોઈ ખોટુ કામ કર્યું નથી. પીએનબી સ્કેમ સિવિલ ટ્રાન્જેકશન છે. આને લઈને બિનજરૂરી વિવાદ કરાઈ રહ્યો છે. સુરક્ષાના કારણોસર તેઓ સ્વદેશ પરત ફરવા ઈચ્છુક નથી. ઈડીએ થાઈલેન્ડમાં નિરવ મોદીની ૧૩.૧૪ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. ઈડીએ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં નિરવ મોદીની દુબઈમાં ૫૬ કરોડ રૂપિયાની ૧૧ સંપત્તિ જપ્ત કરી લીધી હતી. ગયા વર્ષે ઓકટોબર મહિનામાં તપાસ સંસ્થાએ મોદી અને તેમના પરિવારના સભ્યોની ૬૨૭ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી હતી.
જેમાં ન્યૂયોર્કમાં સેન્ટ્રલ પાર્કમાં સ્થિત બે એપાર્ટમેન્ટનો પણ સમાવેશ થાય છે. નિરવ મોદી સ્વદેશ પરત ફરવા તૈયાર નથી તે પ્રકારના અહેવાલ આવ્યા બાદથી તપાસ સંસ્થાઓ વધુ સક્રિય દેખાઈ રહી છે. પ્રવેન્શન ઓફ મની લોન્ડરીંગ કોર્ટને જવાબમાં નિરવ મોદીએ સુરક્ષાના કારણો રજુ કરીને ફરી એકવાર ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કર્યા છે. સરકાર દ્વારા હવે તપાસની પ્રક્રિયાને વધુ ઝડપી કરવામાં આવે તે જરૂરી છે. ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્ક સ્થિત બે એપાર્ટમેન્ટ જપ્ત કરવામાં આવ્યા બાદ નિરવ મોદીની અન્ય સંપત્તિઓ ઉપર પણ ચાંપતી નજર તપાસ સંસ્થાઓ રાખી રહી છે. ઈડી ઉપરાંત સીબીઆઈ દ્વારા પણ તેમની સામે જુદા જુદા મામલામાં તપાસ કરી રહી છે.