બોટાદ એલસીબી દ્વારા બોટાદ જિલ્લા સહિત રાજ્યભરના જિલ્લાઓમાં ઘરફોડ ચોરીઓ કરતી મારવાડી છારા ગેંગને ચોરીના મુદ્દામાલ સાથે નાની મોટી ૧૦૦ કરતા વધારે ચોરીઓનો ભેદ ઉકેલી છ શખ્સોને કુલ રૂા.૧,પ૭,૧૯પના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
બોટાદ એલસીબીના પીઆઈ એચ.આર. ગોસ્વામી તથા સ્ટાફ દ્વારા રાણપુર રેલ્વે પોલીસ સ્ટેશન પાસેથી ચોક્કસ બાતમીના આધારે ઘરફોડ ચોરી કરતી ગેંગના સક્રિય વનરાજ ઉર્ફે રીતીક શામજીભાઈ રાઠોડ, આસીક રાકેશભાઈ રાઠોડ, વજેશીંગ રાજેશીંગ ચૌહાણ, બારમણભાઈ રમેશભાઈ રાઠોડ, અશ્વીન શામજીભાઈ રાઠોડ તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર રહે. તમામ રાણપુર, ખોડીયારનગરવાળાઓને ચોરી કરેલ સોના-ચાંદીના ઘરેણા, રોકડ, લેપટોપ, મોબાઈલ, પાણીની મોટર, બ્લોવર સહિતનો મુદ્દામાલ રીકવર કરી બોટાદ જિલ્લા ઉપરાંત કચ્છ-ભુજ, જામનગર, નડીયાદ, આણંદ, મોરબી, રાજકોટ, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં કરેલી નાની મોટી ૧૦૦ ચોરીઓનો ભેદ ઉકેલ્યો હતો.
ઘરફોડ ચોરીના આરોપીઓ મજુર વર્ગના માણસોના ઘરોને ટારગેટ કરતા જેમાં મજુરી કામ પર મજુરો જાય ત્યારે તેના ઝુપડામાં ચોરી કરતા અને જે જગ્યાએ ચોરી કરવાની હોય ત્યાં અગાઉ ઝુપડુ બાંધીને રહેતા અને ચોરી થયા બાદ ત્યાંથી અન્ય જગ્યાએ સ્થળાંતર કરતા તેમજ શહેરી વિસ્તારમાં બંધ મકાનોમાં દિવાલો કુદીને અંદર પ્રવેશી તાળા તોડી ચોરી કરતા જેમાં ખાસ કરીને વાડી વિસ્તારના મકાનોને ટારગેટ બનાવતા હતા. આરોપીઓએ ભુજ શહેર ઉપરાંત માધાપુર, મુંદ્રા, માંડવી, જામનગર, જામજોધપુર, કાલાવાડ, નડીયાદ, બોટાદ, રાણપુર, રાજકોટ, પરધરી, આણંદ, મોરબી, હળવદ, માળીયા, કંટારા, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, જસદણ, ખીરસરા સહિતમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી. આમ, બોટાદ એલસીબીએ રાજ્યવ્યાપી ઘરફોડ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો.