ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરને આગામી ચૂંટણીમાં મોટું હથિયાર માનીને ચાલી રહેલી ભારતીય જનતા પાર્ટીને એક મોટો આંચકો મળ્યો છે. ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિહંનો કિરદાર નિભાવનારા અનુપમ ખેરે મોદી સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.
અનુપમ ખેરને વડાપ્રધાન મોદીના કટ્ટર ટેકેદાર માનવામાં આવે છે અને તેઓ ચંદીગઢથી ભાજપના સાંસદ કિરણ ખેરના પતિ પણ છે. અનુપમ ખેરે કહ્યુ છે કે કાશ્મીરી પંડિતો માટે મોદી સરકારે કંઈજ કર્યું નથી. એક ન્યૂઝચેનલ સાથેની વાતચીતમાં અનુપમ ખેરે કાશ્મીરી પંડિતો મામલે બોલતા ક્હ્યુ હતુ કે આના સંદર્ભે કંઈ કરવામાં આવ્યું નથી. તેઓ હંમેશા આમ કહે છે. તેમણે પણ કંઈ કર્યું નથી. ખુદ એક કાશ્મીરી પંડિત એવા અનુપમ ખેરે કહ્યુ છે કે ભલે દેશમાં સરકારો કોઈપણ પક્ષની આવી હોય. પરંતુ જો કોઈ કમ્યુનિટીની અવગણના કરવામાં આવી છે. તો તે કાશ્મીરી પંડિતો છે. જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા બંધારણના અનુચ્છેદ-૩૭૦ પર બોલતા અનુપમ ખેરે કહ્યુ છે કે જે દિવસે આ કલમ-૩૭૦ને દૂર કરવામાં આવશે. તે દિવસે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ સુધરી જશે.