એરપોર્ટની જેમ સ્ટેશન પર ૨૦ મિનિટો પૂર્વે જવું પડશે

727

રેલવેએ સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવાના હેતુસર વિમાની મથકોની જેમ જ હવે રેલવે સ્ટેશનો ઉપર મજબૂત સુરક્ષા રાખવાનો નિર્ણય કર્યો છે જેના ભાગરુપે એરપોર્ટની જેમજ રેલવે સ્ટેશનો ઉપર પણ ૨૦ મિનિટ પહેલા પહોંચવાનું રહેશે. સુરક્ષા માટે રેલવેએ આ અંગેનો નિર્ણય કર્યો છે. સુરક્ષા ચેકિંગની પ્રક્રિયા સરળતાથી કરવામાં આવી શકે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. હાઈએન્ડ ટેકનોલોજીની સાથે આ વ્યવસ્થા હાલમાં અલ્હાબાદ રેલવે સ્ટેશન ઉપર શરૂ કરવામાં આવી છે જ્યાં કુંભના પ્રસંગે મોટી સંખ્યામાં યાત્રીઓ પહોંચનાર છે.

કુંભની શરૂઆત આ મહિનામાં જ થઇ રહી છે. કર્ણાટકના હુબલી રેલવે સ્ટેશન ઉપર આ વ્યવસ્થા અમલી કરવામાં આવનાર છે. આ બંને સ્ટેશનો ઉપર પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી રહી છે. ત્યારબાદ દેશના ૨૦૨ સ્ટેશનો ઉપર આની શરૂઆત કરાશે. રેલવે પ્રોટેક્શન ફોર્સના ડીજીપી જનરલ અરુણ કુમારે આ અંગેની માહિતી આપી છે. આ હેઠળ રેલવેએ સ્ટેશનોને સીલ કરવાની તૈયારી કરી છે. સૌથી પહેલા સ્ટેશનો ઉપર ઓપનિંગ પોઇન્ટ ઉપર તપાસ કરવામાં આવશે ત્યારબાદ કોને બંધ કરવામાં આવે તે અંગે નિર્ણય લેવામાં આવશે. કેટલાક વિસ્તારોને સ્થાયી દિવાલના માધ્યમથી બંધ કરવામાં આવશે. કેટલાક ઓપનિંગ પોઇન્ટની નજર રેલવે પ્રોટેક્શન ફોર્સને આપવામાં આવનાર છે. કેટલીક જગ્યાઓએ અસ્થાયી દરવાજા મુકવામાં આવશે. અરુણ કુમારે કહ્યું છે કે, દરેક એન્ટ્રી પોઇન્ટ ઉપર રેન્ડમ સિક્યુરિટી ચેક થશે. વિમાની મથકની જેમ જ યાત્રીઓને કલાકો પહેલા આવવાની જરૂર પડશે નહીં પરંતુ ૧૫થી ૨૦ મિનિટ પહેલા આવવાની જરૂર પડશે. સિક્યુરિટી ચેકના પરિણામ સ્વરુપે ટ્રેન છુટી ન જાય તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કુમારે કહ્યું હતું કે, સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવી રહ્યો છે. જો કે, આના માટે સુરક્ષા કર્મીઓની સંખ્યામાં કોઇ વધારો કરવામાં આવી રહ્યો નથી. જો અમે ટેકનોલોજીમાં નિવેશ કરીશું તો તેમાં સુધાર કરીને મેઇન પાવર વધારવાની જરૂર રહેશે નહીં. ૨૦૧૬માં રેલવે તરફથી મંજુર કરવામાં આવેલા ઇન્ટીગ્રેટેડ સિક્યુરિટી સિસ્ટમ હેઠળ આ પગલા લેવામાં આવી રહ્યા છે જેના ભાગરુપે દેશભરના ૨૦૨ મહત્વના સ્ટેશન પર સુરક્ષા મજબૂત કરવામાં આવનાર છે.

Previous articleકોંગ્રેસે પહેલા CBI સામે રજૂ કર્યા, હેવ ભાજપે રંગ બતાવ્યો : અખિલેશ યાદવ
Next articleહિમવર્ષાથી ઉત્તર ભારત ઠંડુગાર થયું : વૈષ્ણોદેવીની ઘણી સેવા બંધ