ઉત્તર ભારતની સાથે સાથે દેશભરમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જોરદાર હિમવર્ષા અને કોલ્ડવેવના કારણે ઉત્તરભારત ઠંડુગાર થઇ ગયું છે. હિમવર્ષા અને કાતિલ ઠંડી વચ્ચે માતા વૈષ્ણોદેવી મંદિર માટે હેલિકોપ્ટર સેવાને બંધ કરવાની ફરજ પડી છે.
જમ્મુ કાશ્મીરના નિવાસી જિલ્લામાં ભારે હિમવર્ષાના કારણે હાલત કફોડી બની ગઈ છે. માતા વૈષ્ણોદેવી મંદિર માટે હેલિકોપ્ટર અને કેબલ કાર સેવા બંધ કરી દેવામાં આવી છે. બીજી બાજુ હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા જારી છે. રાજ્યના કેલાંગ વિસ્તારમાં ૨૦ સેમી બરફ પડતા જનજીવન ખોરવાઈ ગયું છે. ચારેબાજુ બરફના થર જામી ગયા છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ કાતિલ ઠંડીના સકંજામાં છે અને લઘુત્તમ તાપમાનમાં ઉલ્લેખનીય ઘટાડો થઇ રહ્યો છે.
જમ્મુ કાશ્મીરમાં રવિવારે એટલે આજે સવારે તાપમાનમાં ઘટાડો થયો હતો. લોકો ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે.
જો કે, હવામાન વિભાગે ૧૦મી જાન્યુઆરી બાદ સ્થિતિમાં સુધારો થશે તેવી વાત કરી છે. રાજ્યમાં શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં માર્ગો ઉપર વાહનો દેખાઇ રહ્યા નથી. શ્રીનગર શહેરમાં આજે લઘુત્તમ તાપમાન શૂન્યથી ૧.૨ ડિગ્રી નીચે પહોંચી ગયું હતું. પહેલગામમાં પારો માઈનસ ૭.૯ ડિગ્રી રહ્યો હતો. ગુલમર્ગમાં પારો માઇનસ નવ ડિગ્રી સુધી પહોંચ્યો હતો. લેહમાં માઇનસ ૧૦.૩ અને કારગિલમાં માઇનસ ૧૮.૬ ડિગ્રી પારો રહ્યો હતો. જમ્મુ શહેરમાં ૭.૪, કટરામાં ૯.૨ અને બટોટેમાં માઇનસ ૦.૮ ડિગ્રી પારો રહ્યો હતો. ત્રિકુટા પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષા થયા બાદ કટરા આધાર શિવિરથી મંદિર તરફ જતી સેવાઓને બંધ કરી દેવામાં આવી છે. વૈષ્ણોદેવી માટેની હેલિકોપ્ટર સેવા કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવી છે. હવામાનની સ્થિતિમાં સુધારો થયા બાદ જ આ સેવા ફરી શરૂ કરાશે. જમ્મુ કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં છત પરથી બરફને દૂર કરતી વેળા એક વ્યક્તિનું પડી જવાથી મોત થયું છે.
મૃતકના પરિવારને ચાર લાખ રૂપિયાની મદદની જાહેરાત કરવામાં આવી છે. બીજી બાજુ અન્ય એક પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં પણ ભારે હિમવર્ષા જારી છે. હિમવર્ષાના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. તેલાંગમાં તાપમાન માઇનસ સાત ડિગ્રી નોંધાયું છે. મેદાની ભાગોની વાત કરવામાં આવે તો પંજાબ અને હરિયાણામાં ઠંડીના પ્રકોપથી હાલત કફોડી બનેલી છે. નારનોલમાં પારો ૩.૫ ડિગ્રી સેલ્સિયસ રહ્યો છે. બીજી બાજુ આ બંને રાજ્યોમાં પણ ધુમ્મસની ચાદર ફેલાઈ ગઈ છે. રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ સહિતના વિસ્તારોમાં ધુમ્મસ અને ઠંડીના પરિણામ સ્વરુપે વિમાની સેવા, રેલ સેવા અને માર્ગ સેવા ખોરવાઈ ગઈ છે.