અમદાવાદમાં સાબરતી નદીના કિનારે રિવરફ્રન્ટ પર ૩૦માં આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી, મેયર બિજલબેન પટેલ સહિતના મહાનુભવોની ઉપસ્થિતિ સાથે આ પતંગ મહોત્સવનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. ૪૫ જેટલા દેશોના પતંગબાજો સહિત દેશ વિદેશના કુલ ૬૫૦ પતંગબાજો આ કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચ્યા છે.
પતંગ મહોત્સવ દરમિયાન શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સૂર્યનમસ્કાર કર્યા હતા તેમજ વિવિધ રંગારંગ કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. સોલા ભાગવત વિદ્યાપીઠના ઋષિકુમારો દ્વારા સૂર્યવંદના કરી આદિત્યનારાયણ દેવની સ્તુતી ગાવામાં આવી હતી અને મંત્રોચ્ચાર સાથે સમગ્ર વાતાવરણને પાવન કરાયું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે આ વખતે કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ કચ્છના રણમાં પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમ પતંગ આકાશમાં ઊંચે ઉડે છે તેમ ગુજરાત રાજ્ય પણ આગામી સમયમાં નવા નવા ઊંચા આયામો સર કરે તેવા પ્રયાસો સરકાર કરશે તેમ તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યપાલ ઓ પી કોહલીએ પણ સંબોધન કર્યું હતું અને ગુજરાતના તમામ નાગરિકોને પતંગના પર્વ એવા ઉત્તરાયણની અગાઉથી હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે ઉત્તરાયણના પર્વ સાથે ઋતુચક્રમાં પણ બદલાવ આવે છે. ગુજરાત વૈશ્વિક સ્તરે તેના ઉત્સવો માટે જાણીતું છે અને ગુજરાતી પ્રજા ઉત્સવ પ્રિય પ્રજા છે તેમ રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું.
રિવરફ્રન્ટ પર હજારો લોકોની હાજરીમાં દેશ અને વિદેશના પતંગબાજોએ પોતાની પતંગો ઉડાતા આકાશમાં એક પ્રકારે રંગોળીનું દ્રશ્ય જોવા મળ્યું હતું. પવન પણ અનુકૂળ હોવાથી પતંગબાજોએ મનભરીને પતંગ ઉડાડવાનો આનંદ માળ્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર જાન્યુઆરી માસમાં પતંગ મહોત્સવ યોજીને રાજ્યમાં ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ ઊભું કરી રહી છે. સૂર્યનારાયણ દેવ મકર રાશિમાં પ્રવેશ કરતા હોય ત્યારે સૌ સૂર્યવંદના કરી દાન કરી પીપળા પૂજન કરી ધન્ય થતા હોય છે. આ વખતે રાજ્ય સરકાર દ્વારા વિવિધ ફૂલોના પ્રદર્શન એવા ફ્લાવર શો, દુબઈ શોપિંગ ફેસ્ટિવલ જેવા શોપિંગ ફેસ્ટિવલનું પણ અમદાવાદના આંગણે આયોજન કર્યું છે.
ચાલુ વર્ષે આ કાર્યક્રમને ઉત્તરાયણ સુધી લંબાવાયો છે અને રાજ્યમાં કેવડિયા, દ્વારકા, કચ્છ, રાજકોટ સહિત અનેક સ્થળોએ પતંગ મહોત્સવનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરાયું છે.