વાવોલમાંથી એક માસ પહેલાં દુકાનમાં ચાર્જીગમાં પડેલો મોબાઈલ ચોરનાર શખ્સ એલસીબીએ ઝડપી પાડ્યો છે. નવા વાડજના જવાહરનગર છાપરામાં રહેતા રીક્ષા ચાલકે વાવોલમાં ગોકુલપુરા પેટ્રોલપંપ પાસે ચાની કીટલી પાસેથી મોબાઈલની ચોરી કરી હતી. વાવોલના શાંતીવન ફ્લેટમાં રહેતાં નિકુલકુમાર ભુપતસિંહ રાઠોડે ૫ ડિસેમ્બરે ગોકુલપુરા પેટ્રોલપંપ પાસે પોતાની ચાની કિટલી બાજુ શ્રીજી દાલબાટી દુકાનની બહારના ભાગે હોલ્ડરમાં ચાર્જિંગમાં મુક્યો હતો ત્યારે મોબાઈલ ચોરાયો હતો.
ગાંધીનગર એલસીબીની ટીમ પીઆઈ તરલ ભટ્ટના માર્ગદર્શનમાં એક ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડકોન્સ્ટેબલ જયવિરસિંહ નટવરસિંહને માહિતી મળી હતી કે, સેક્ટર-૧૧માં એક ઈમસ ચોરીનો મોબાઈલ વેચવા ફરે છે. જેના આધારે એલસીબીની ટીમે સુમન ટાવર પાછળ આવેલા મેદાનમાંથી આરોપી જીગ્નેશ દિનેશભાઈ મારવાડીને દબોચી લીધો હતો. જેની પાસેથી ૧૦ હજારની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ મળી આવ્યો હતો, જે તેણે એક માસ પહેલાં વાવોલમાંથી ચોર્યો હતો. ૫ ડિસેમ્બરના રોજ આરોપી પોતાની સીએનજી રીક્ષામાં પેસેન્જર લઈને નીકળ્યો હતો અને વાવોલ ખાતે ચા-પાણી કરવા ઉભો રહ્યો હતો. આ સમયે તેણે દુકાન પાસે ચાર્જિંગમાં પડેલો મોબાઈલ દુકાન માલિકની નજર ચુકવીને ઉઠાવી લીધો હતો. તેને પૈસાની જરૂરિયાત ઉભી થતા શનિવારે તે મોબાઈલ વેચવા નીકળ્યો હતો.