શહેરમાં આવેલું સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ ટૂંક સમયમાં જ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. હાલમાં મોટેરા સ્ટેડિયમમાં કોંક્રિટનાં બીમ પણ તૈયાર થઈ રહ્યાં છે. આ બીમ પર બે માળની ૧૮ મીટર ફેલાયેલી બેઠક વ્યવસ્થા બનાવવામાં આવશે.
જેમાં આશરે સવા લાખ લોકો બેસીને મેચ નિહાળી શકશે. ત્યારે મોટેરા સ્ટેડિયમની ડ્રોન ઈમેજ પણ સામે આવી છે. મહત્વનું છે કે, હાલમાં ઓસ્ટ્રેલિયાનાં મેલબોર્નમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટનું ગ્રાઉન્ડ છે. ત્યારે હવે અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર થશે.ઉલ્લેખનીય છે કે ૬૩ એકરમાં ફેલાયેલ આ સ્ટેડિયમમાં કોંક્રિટનાં મોટા ચોસલાં હવે એકબીજા પર ગોઠવાઈ રહ્યાં છે. ત્યારે રેકર બીમ, રિંગ બીમ, કોલમ્સ અને લાકડાંના પાટિયા આ બધું જ ભેગું થઇને સ્ટેડિયમની એક વિશાળ બેઠક વ્યવસ્થા બનશે. મહત્વનું છે કે આ અગાઉ પણ એક વર્ષ પહેલાં આ સ્ટેડિયમને મોટુ બનાવવાની વાત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત ક્રિકેટ અસોસિએશનનાં સીનિયર અધિકારીઓનાં જણાવ્યાં મુજબ, નવી બેઠક વ્યવસ્થાને લઇને આ સ્ટેડિયમ બનાવવામાં મોટો ખર્ચો પણ વધી શકે છે. ગુજરાતની ક્રિકેટ ટીમનું હોમ ગ્રાઉન્ડ ભવિષ્યમાં કેટલીક મોટી મોટી ઈવેન્ટ્સનું પણ સાક્ષી બનશે.કોર્પોરેટ હાઉસ માટે ૭૬ સ્કાય બોક્સ હશે તેમજ છ માળનાં સંપૂર્ણ સ્ટ્રક્ચરમાં ૫૦ જેટલાં રૂમો બનશે. સ્ટેડિયમની દક્ષિણ દિશાએ ઓલમ્પિક સાઈઝનું સ્વિમિંગ પુલ પણ તૈયાર થશે. આમ, આ રીતે શહેરનું સરદાર પટેલ સ્ટેડિયમ એ ટૂંક સમયનાં ગાળામાં જ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનવા જઇ રહ્યું છે.