અરબ સાગરમાં ઉદ્દભવેલ ચક્રવાત ઓખીની અસરને લઈને ભાવનગર જિલ્લામાં ફુકાતા વાતાવરણ ટાઢુબોળ થઈ જવા પામ્યું છે. આ વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા સલામતીના ચુસ્ત પગલા ભર્યા છે. ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ પણ આવી પહોંચી છે.
રાજ્યમાં સૌથી લાંબો દરિયા કિનારો ભાવનગર જિલ્લાને પ્રાપ્ત થયો છે. આથી અરબ સાગરમાં આકાર લેતા ચક્રવાતોની વત્તા-ઓછા પ્રમાણમાં ભાવનગર જિલ્લાને પણ અસર થયા વિના રહેતી નથી. જો કે વર્ષોથી પ્રચલીત ગુજરાતી કહેવત મુજબ ભાલાનો ઘા સોઈની અણી એટલી જાય એ વાત અનુસાર ભાવનગરનો બચાવ થાય છે પરંતુ વાવાઝોડાની અસર તો ચોક્કસ થાય જ. છેલ્લા પાંચ દિવસથી અરબ સાગરમાં આકાર લઈ આગળ વધી રહેલ ચક્રવાત ઓખી ગઈકાલથી જ મહારાષ્ટ્ર તથા ગુજરાત પર અસર વર્તાવવાની શરૂ થઈ ચુકી છે. સમુદ્ર કાંઠે પહોંચ્યા બાદ આ વાવાઝોડુ હળવું પડશે અને ભાવનગર જિલ્લામાં તા.પ અને ૬ના રોજ છુટોછવાયો વરસાદ થવા સાથે પ૦ થી ૬૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી માહિતી હવામાન વિભાગે જાહેર કરી છે.
આજરોજ ઓખી વાવાઝોડાની શહેર-જિલ્લામાં અસર જોવા મળી હતી. ભાવનગર બંદર પર તથા ઘોઘા બંદર પર સલામતીના ભાગરૂપે તંત્રએ ૩ નંબરનું સિગ્નલ લગાવ્યું છે. સોમવાર રાતથી જ જિલ્લાના દરિયામાં હેવી કરન્ટ જોવા મળ્યો હતો. ઘોઘા-ગોપનાથ-મહુવામાં ભારે ભરતી જોવા મળી હતી. ઘોઘાના કાંઠે ૩ મીટર જેવા ઉંચા મોઝા ઉછળ્યા હતા. હેવી ટાઈડને કારણે દરિયાના પાણી ગામમાં ઘુસી જવા પામ્યા હતા તથા ૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો તથા સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ઘોઘા જેટી પર ૧ર મરીન જવાનો તથા ૬ મરીન પોલીસ ખડેપગે સેવા બજાવી રહ્યાં છે. ઘોઘામાં ર૦૦ જેટલી બોટ કાંઠે લાંગરી દેવામાં આવી છે તથા ૭ ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા માચ્છીમારોને સુચના આપવામાં આવી છે. સંભવીત આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ ભાવનગર આવી પહોંચી છે. અદ્યતન સાધનોથી સજ્જ જવાનો ગમે તેવી વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત ઓખી આજે રાત્રે ૧ર કલાકે દક્ષિણ ગુજરાતના સાગર કાંઠાથી પ્રવેશ કરશે અને સુરત, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાને આવરી લેશે જેને લઈને આગામી ર દિવસમાં ભાવનગર જિલ્લામાં ૪૦ થી પ૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદની શક્યતા રહેલી છે.
સિહોરમાં ઓખી વાવાઝોડાની અસર
ગત તા.૪-૧રના રોજ હવામાન ખાતાની આગાહી હતી કે, ઓખી વાવાઝોડુ તામીલનાડુ તરફથી ગુજરાત તરફે આવી રહ્યું છે ત્યારે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં અસર જોવા મળશે. જેમાં સિહોરમાં ગત સાંજથી જ ધીમીધારે વરસાદ તથા પવન ફુંકાવા લાગેલ ત્યારે બીજા દિવસે કોલ્ડવેવની અસર તથા ધુંધળા ભેજમય વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદની શિયાળામાં લોકોએ મોજ માણી હતી ત્યારે બીજી બાજુ અંધારપટ્ટવાળા વાતાવરણથી લોકો ઓખીના ભયથી મુંજાયા હતા. શ્વાસના દર્દીઓ આ વાતાવરણથી વધુ પરેશાન થયા હતા. કોઈ ઘરમાં તો કોઈ દવાખાને જોવા મળતા હતા ત્યારે ભવન પવન વચ્ચે પોલીસ સ્ટેશન પાસે લગાડેલ. પૂ.મોરારીબાપુનું બોર્ડ પડતા સ્પષ્ટ ઓખી કહેર જોવા મળ્યાની ચર્ચાઓ થવા લાગી હતી.
મધદરિયે ફસાયેલ માછીમારો બચાવાયા
મહુવાના દરિયા કિનારાથી ૩૭ નોટીકલ માઈલ દુર વાપી, વલસાડ, નવસારીથી માચ્છીમારી કરવા નિકળેલા માચ્છીમારો સમુદ્રના દેવી કરન્ટમાં ફસાતા ગુજરાત કોસ્ટ ગાર્ડના જવાનો દ્વારા ૯ જેટલા સાગરખેડૂઓને બચાવી ઘોઘા તરફ લાવવામાં આવ્યા હતા. દરિયામાં હેવી કરન્ટના કારણે ગાઢ ધુમ્મસ છવાયો હોય જેને લઈને આ માછીમારો મુશ્કેલીમાં મુકાયા હતા પરંતુ કોસ્ટગાર્ડની સમય સુચકતાના કારણે તેઓને હેમખેમ ઉગારી લેવામાં આવ્યા છે. હાલ સ્થિતિ સામાન્ય હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.