સુપર સ્ટાર સલમાન ખાને કહ્યું હતું કે લગ્ન એ માણસની અનિવાર્ય જરૃરિયાત ન ગણી શકાય. લગ્ન કરનાર પાત્રોને એકમેકની જરૃર હોય ત્યારે આવા સંબંધો બંધાય છે.
કોમેડિયન કપિલ શર્માના નવેસર શરૃ થયેલા કોમેડી શોમાં હાજર રહેલા સલમાન ખાનને કપિલે ફરી ફરીને એેકજ સવાલ પૂછ્યે રાખ્યો હતો કે તમે ક્યારે લગ્ન કરશો ? જો કે એની પૂછવાની સ્ટાઇલ અલગ હતી. એણે કહ્યું કે ફિલ્મ ભારતમાં તમે જે પાત્ર ભજવો છો એ ૭૫ વર્ષનું થવા છતાં એનાં લગ્ન થતાં નથી. તમારો લગ્ન બાબતમાં શો વિચાર છે ? ત્યારે સલમાને કહ્યું કે લગ્ન એકમેકને જરૃરી એવી બે વ્યક્તિનુંં જોડાણ હોય છે. લગ્ન સિવાય પણ માણસ ખુશ રહી શકે છે. મને એ રીતે કોઇની નિકટતાની કે અન્ય કોઇ કારણે જરૃરિયાત હાલ જણાતી નથી. અત્રે એ યાદ રહે કે રજત શર્માના હિટ ટીવી શો આપ કી અદાલતમાં પણ સલમાનને આ સવાલ પૂછવામાં આવ્યો હતો. સલમાને એ સમયે પોતાના દિમાગમાં કોઇ પ્રકારની બીમારી હોવાથી ચહેરાના અર્ધા ભાગમાં સતત પીડા થતી હોવાનું કહ્યું હતું. એણે કહેલું કે મારી બીમારીનું હજુ સો ટકા સાચું નિદાન થયું નથી. કંઇ ગંભીર નીકળે તો મારી સાથે જીવન જોડનાર વ્યક્તિ હેરાન થાય એવું હું ઇચ્છતો નથી. ઉપરાંત મારી સામે બે કાનૂની કેસ ચાલી રહ્યા છે. એમાં મને લાંબા કારાવાસની સજા થાય તો પણ બીજું પાત્ર હતાશ થાય એટલે મને લગ્નની કોઇ ઉતાવળ નથી.