ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તાર નાંદોલીથી કોલસેન્ટર પકડાયુ

1448
gandhi7122017-7.jpg

ગાંધીનગરનાં ઇન્ફોસીટી તથા સરગાસણ વિસ્તારમાંથી બે કોલ સેન્ટર પકડાયા બાદ ગાંધીનગર આર આર સેલ દ્વારા કલોલ તાલુકાનાં સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા નાંદોલી ગામમાંથી વધુ એક કોલ સેન્ટર ઝડપી પાડ્‌યુ છે. સાથે કોલ સેન્ટર ચલાવતા ૩ શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો આઇબીએમ સોફ્‌ટવેરનો ઉપયોગ કરીને બનાવટી નંબર પરથી ફોન કરીને અમેરીકન નાગરીકોને વાતમાં લઇને પૈસા પડાવતા હતા.
સારંગપુરનો શખ્સે ભાડે મકાન રાખીને આ કોલ સેન્ટર ચલાવતો હોવાનું પણ સામે આવ્યુ છે. સાંતેજ પોલીસ સ્ટેશનમાં આર આર સેલે ગુનો નોંધાવતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.ગાંધીનગર આર આર સેલનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર ગાંધીનગર જિલ્લામાંથી પહેલા પણ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પકડાઇ ચુક્યા બાદ રેન્જ આઇજી મયંક ચાવડા દ્વારા પીઆઇ એસ એન ચૌધરી તથા પીએસઆઇ બી આર રબારીને જિલ્લામાં અન્ય વિસ્તારોમાં આ દિશામાં તપાસ કરતા સુચના આપી હતી.
જેને લઇને બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા. દરમિયાન કલોલ તાલુકાનાં નાંદોલી ગામે આવેલી વાત્સલ્ય ૧ સોસાયટીમાં બંગલા નં ૧૧૭માં કેટલાક શખ્સો કોલ સેન્ટર ચલાવતા હોવાની બાતમી પીએસઆઇ રબારીને મળી હતી. પોલીસે આ દિશામાં વધુ તપાસ કરતા અમદાવાદનાં સારંગપુરનો રહેવાસી નિર્મલ રસીકભાઇ સોની નામનો શખ્સ વાત્સલ્યમાં ભાડે મકાન લઇને કોલ સેન્ટર ચલાવતો હોવાની ખાતરી થતા દરોડો પાડ્‌યો હતો.
જેમાં આ શખ્સો દ્વારા આઇબીએમ મેન્યુઅલ કોલીંગ સોફટવેરનો ઉપયોગ કરીને યુએસનાં સીટીઝનોને વિશ્વાસમાં લઇને ઢગાઇ કરતા હોવાનું સામે આવ્યુ હતુ.આર આર સેલે આ દરોડામાં મુખ્ય સુત્રધાર નિર્મલ રસીકભાઇ સોની, કેવીન ધીરજભાઇ વાઘેલા (રહે નડીયાદ, તા જી ખેડા) તથા કેવલ સરજુદાસ ગોંડલીયા (રહે વેજલપુર, અમદાવાદ)ની ધરપકડ કરીને સાંતેજ પોલીસ સ્ટેશનમાં ત્રણેય શખ્સો સામે ગુનો નોંધાવતા સાંતેજ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.પોલીસે દરોડો પાડતા કોલ સેન્ટરમાંથી ૩ આઇબીએમ સોફ્‌ટવેર, ૧ લેપટોપ, ૨ કોમ્પ્યુટર, ૪ મોબાઇલ, હેડફોન તથા માઉસ વગેરે કુલ રૂ. ૧,૦૮,૯૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. 

Previous articleશ્રી અરવિંદ સાધના કેન્દ્ર ઓમપુરી ખાતે બીબીએના વિદ્યાર્થીઓનો એકદિવસીય સેમીનાર
Next articleડીઆઇજી મયુરસિંહ ચાવડાએ પોસ્ટલ બેલેટથી કરેલ મતદાન