ગોરધન ઝડફિયા ફરી એકવાર હાંસિયામાં ધકેલાયા છે. ગોરધન ઝડફિયાને હવે ઉત્તરપ્રદેશમાં કો-ઈન્ચાર્જ એટલે કે સહપ્રભારીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. પહેલા ગોરધન ઝડફિયાને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ઈન્ચાર્જ બનાવાયા હતા. પણ હવે ભાજપે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાને યૂપીના ચૂંટણી ઈન્ચાર્જ નીમતા રાજકારણમાં આશ્ચર્યનું મોજુ ફેલાયું છે.
ઝડફિયાના પદભારમાં ઘટાડો કરતા અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે. એવું પણ ચર્ચાઈ રહ્યુ છે કે, ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીમાં ઝડફિયાને ટિકીટ ના આપવી પડે તે માટે તેઓને પહેલા યૂપીના ચૂંટણી ઈન્ચાર્જ બનાવીને ગુજરાતમાંથી તગેડવામાં આવ્યા હતા. પણ હવે આ પદભાર પણ ઘટાડી દેતા તેઓને હવે સહપ્રભારી બનાવી દેવાયા છે.
જેથી યુપીમાં કુલ છ સહપ્રભારીઓમાંથી એક ઝડફિયા હશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૨ દરમિયાન ગોરધન ઝડફિયા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગૃહમંત્રી તરીકે રહ્યા હતા. બાદમાં નરેન્દ્ર મોદી અને ઝડફિયા વચ્ચે તિરાડ પડી હતી.
બાદમાં તેઓ ભાજપથી અલગ થયા હતા અને પાંચ વર્ષ પહેલા જ તેઓ પાછા ભાજપમાં જોડાયા. ત્યારે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, અગાઉ ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ ટિકીટ આપવામાં આવી નહોતી.
તો થોડા જ સમય પહેલા તેમને યૂપીના ચૂંટણી ઈન્ચાર્જ બનાવીને ગુજરાતમાંથી હાંકલપટ્ટી કરી દેવાઈ. જેથી એવુ પણ ચર્ચાઈ રહ્યું હતુ કે, આગામી લોકસભા ચૂંટણીમાં ઝડફિયા દ્વારા ટિકિટની માગ ઊભી ના થાય તે માટે કાવતરૂ રચીને યૂપી તગેડી મૂકવામાં આવ્યા. પણ હવે ફરીથી તેમના પદનું કદ ઘટાડી દેતા અનેક તર્ક વિતર્ક સામે આવ્યા છે.