બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે દાવો કર્યો છે કે ૨૦૧૯ લોકસભાની ચૂંટણીમાં એનડીએની જીત નક્કી છે. તેની સાથે નીતિશે એવું પણ કહ્યું કે નરેન્દ્ર મોદી ફરીથી દેશના વડાપ્રધાન બનશે. તે દરમિયાન મુખ્યમંત્રીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું.
પટણામાં લોક સંવાદ કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાતચીતમાં નીતિશે કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીઓમાં હારનો મતલબ એવો નથી કે આ પરિણામ લોકસભામાં પણ આવશે. તેમણે કહ્યું કે, ૨૦૧૯માં એનડીએની જીત થશે અને નરેન્દ્ર મોદી ફરીથી પીએમ બનશે. જો કે, સીએમે એવું પણ કહ્યું કે, આ મારો વ્યક્તિગત મત છે અને જનતા જ માલિક છે, અંતિમ નિર્ણય તેમને જ કરવાનો છે.
તે દરમિયાન બિહારમાં બની રહેલું ગઠબંધનના પડકારના સવાલ પર નીતિશે કહ્યું કે, તેમનું કોઇ ભવિષ્ય નથી. અમારી સામે તેમને લઇને કોઇ પડકારો નથી. જાતિય સમીકરણના સવાલ પર નીતિશે કહ્યું કે, બિહારની જનતા વિકાસના નામ પર વોટ આપશે, જાતિના નામ પર નહીં.
તે દરમિયાન નીતિશ કુમારે વારંવાર કહ્યું છે કે, અમારી સરકાર બિહારમાં વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમને કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારના સ્તર પર કોઇ એવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે જે બિહારને એક નવી ઉંચાઇ પર લઇ જશે. તે દરમિયાન એક સવાલના જવાબમાં તેમને કહ્યું કે, દેશ સંવિધાનના હિસાબથી જ ચાલશે. રામ મંદિર અને ત્રિપલ તલાક પર તેમને કહ્યું કે, આ મુદ્દાઓ પર અંદરો અંદર વાતચીત મારફતે તેનો હલ કાઢી શકાય છે.