રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લાશાખા અને કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સંયુક્ત ઉપક્રમે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભાવનગરના પ્રખ્યાત એવા યશવંતરાય નાટ્યગ્રુહ ખાતે યોજાયેલ ‘અંધારી આંખે રચાયા રૂપાળા રંગ’ શીર્ષક હેઠળ સંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત પ્રજ્ઞાચક્ષુ બાળકોએ પ્રાર્થના સાથે કરી સમગ્ર માહોલ ભક્તિમય બનાવી દીધો હતો. પ્રજ્ઞાલોકના બાળકોએ અલગ અલગ થીમ પર ૧૪ થી વધારે કૃતિઓ પર પરફોર્મન્સ આપી ઉપસ્થિત સૌ-કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જેમાં નાટક, રાસ ગ્રુપ, ડાન્સ, રેમ્પ વોકિંગ અને ગાયન જેવા પર્ફોમન્સથી ઉપસ્થિત સૌ-કોઈ અચરજમાં પડી ગયા હતા. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રાગટ્ય દ્વારા કરી હતી. આ પ્રસંગે નેશનલ ફ્લેગ ડે-૨૦૧૮ અંતર્ગત પ્રજ્ઞાચક્ષુઓના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠતમ ફંડ એકત્રિત કરનાર શ્રેષ્ઠ સંસ્થા તરીકે ગ્રામ દક્ષિણામૂર્તિ-મણાર, શ્રેષ્ઠ કૉલેજ તરીકે ઉમિયા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ-લાઠીદડ અને શ્રેષ્ઠ પ્રાથમિક શાળાા તરીકે સ્વામિનારાયણ વિદ્યાલય (પ્રાથમિક વિભાગ) જી.આઇ.ડી.સી.-ચિત્રા સહીત ૩૧ સંસ્થાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમાં બોટાદ અને ભાવનગર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારની શાળા-કોલેજોનો સમાવેશ થાાય છે. આ ઉપરાંત કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના ૮૮માં સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત જસવંતલાલ એમ. મેહતા ઇનામી પારિતોષિક યોજના અંતર્ગત સંસ્થાના શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ વિધાર્થી, શ્રેષ્ઠ વિદ્યાર્થિની અને શ્રેષ્ઠ રમતવીરને અનુક્રમે દ્રોણાચાર્ય એવોર્ડ નીતાબેન એચ. રૈયા, અર્જુન એવોર્ડ-ભરડવા શ્યામ પંકજભાઈ, હેલન-કેલર એવોર્ડ સાંબડ નયના સાદુલભાઈ, શ્રેષ્ઠ રમતવીર માટે ધનેશ મેહતા ટ્રોફી ખેલ મહાકુંભમાં રાજ્યસ્પર્ધાની મહિલા ક્રિકેટ મેચમાં સેચુરી કરનાર શાળાની વિદ્યાર્થીની બારૈયા ભૂમિ દુલાભાઈને એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રૂપા શ્રીનિવાસન (ડી. આર. એમ. ભાવનગર) અને કીર્તિભાઈ શાહ (દેવગણા વાળા)એ પ્રેરક ઉદ્દબોધન કર્યું હતું. તેમજ સંસ્થાના પ્રમુખ શશીભાઈ વાધરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ સુનીલભાઈ વડોદરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાનાં જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ પોતાના ઉદ્દબોધનમાં પ્રજ્ઞાચક્ષુઓના સર્વાંગી વિકાસ માટે કોઈને કોઈ રીતે સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓમાં જોડાઈ મદદ કરનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સંસ્થાના માનદ્ મંત્રી મહેશભાઈ પાઠક, ટ્રેઝરર પંકજભાઈ ત્રિવેદી, ટ્રસ્ટી નીલાબેન સોનાણી, જીતુભાઈ ઉપાધ્યાય, ભાવેશ ગાંધી, કનુભાઈ પટેલ, હસમુખભાઈ ધોરડા સહીત બહોળી સંખ્યામાં સંસ્થાના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ, ફ્લેગ-ડેમાં સક્રિય ફંડ એકત્રિત કરનાર સંસ્થાઓનાં પ્રતિનિધિશ્રીઓ, આમંત્રિતો તથા જાહેરજનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન મહેશભાઈ પાઠકે કર્યું હતું. જ્યારે સમગ્ર કાર્યક્રમની સંચાલન ભાવેશભાઈ વાઘેલા અને નીતાબેન રૈયાએ કર્યું હતું.