ગત દિવસોમાં તળાજા-મહુવા તાલુકાના ગામોમાં અલ્ટ્રાટેક કંપની દ્વારા કરાતા માઈનીંગ કામનો વિરોધ કરવા તથા ધરણા કરવા જતા ખેડૂતો પર લાઠીચાર્જ, ટીયરગેસ સેલ તથા પોલીસ કાર્યવાહી કરાતા ખેડૂતો રોષે ભરાયા હતા. વળી જુદી-જુદી માનવતાવાદી સંસ્થાઓ તથા વિપક્ષ દ્વારા પણ આ ઘટનાને નિંદનિય ગણાવી હતી.
જ્યારે આજરોજ ગારિયાધાર ખાતે ટીમ ટબ્બર ગુજરાત, ગુજરાત જનચેતના પાર્ટી તથા ગારિયાધાર તાલુકા યુવા કોળી સંગઠન દ્વારા રેલી કાઢીને મામલતદાર ગારિયાધારને આવેદનપત્ર આપેલ અને તંત્ર દ્વારા દિવસોમાં જે ખેડૂત વિરોધી નીતિઓ ચાલી રહેલ છે તે તમામને વખોડી કાઢેલ અને આવેદનપત્રોમાં રજૂઆત કરવામાં આવેલ કે જે ખેડૂતોને જિલ્લા પોલીસવડા દ્વારા નિવેદન કરીને કાશ્મીરમાં પથ્થરમારો થાય તેની સાથે ખેડૂતોની સરખામણી કરાયેલ તે મુદ્દે માફી માગવાની માંગણી તથા નિર્દોષ ખેડૂતો પર અમાનવીય લાઠીચાર્જ કરનાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી યોગ્ય પગલા લેવાની માંગણી કરવામાં આવેલ અને આ મામલે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો સમગ્ર રાજ્યમાં ખેડૂતોના સમર્થનમાં જનઆંદોલનો કરવાની ચિમકી પણ આવેદનપત્રોમાં આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ટીમ ગબ્બરના કાર્યકરો, ગુજરાત જનચેતના પાર્ટીના આગેવાનો તથા કોળી સમાજના શહેર તથા તાલુકાના આગેવાનો તથા કાર્યકરો હાજર રહ્યાં હતા.