ગ્રામદક્ષિણામૂર્તિ મણારથી લોકભારતી સણોસરા સુધી ગાંધી સંદેશ પદયાત્રા

1041

ભારત સરકાર દ્વારા સદીના મહામાનવ રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીના ૧૫૦મા જન્મજયંતિ વર્ષની બે વર્ષ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. આ સંદર્ભે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ભાવનગર જિલ્લામાં ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થા-મણારથી લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સંસ્થા – સણોસરા સુધી ગાંધી સંદેશ સાથે રચનાત્મક પદયાત્રા યોજાશે. પૂજ્ય બાપુને તેમની જ પદ્ધતિમાં સ્મરણાંજલિ પાઠવવા બુનિયાદી શાળાઓ અને સ્વૈચ્છિક સંગઠનોનાં સહયોગથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ગાંધીમૂલ્યો અને ગાંધીજીએ આપેલ શિક્ષણપ્રણાલીને ઉજાગર કરવા માટે ગાંધી સંદેશ સાથે રચનાત્મક પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

તા.૧૬/૦૧/૨૦૧૯ થી તા.૨૨/૦૧/૨૦૧૯ સુધી ભાવનગર જિલ્લાના તળાજા, પાલિતાણા અને શિહોર તાલુકામાંથી ચાલનાર આ પદયાત્રામાં ગ્રામદક્ષિણામૂર્તિ મણાર, બેલા, માયધાર , શેત્રુંજી ડેમ, કસ્તુરબા વિદ્યાલય, જામવાળી, દુધાળા, વાળુકડ, લોકભારતી-સણોસરા વગેરે બુનિયાદી સંસ્થાઓને સાંકળવામાં આવેલ છે આ પદયાત્રામાં રાજ્ય અને દેશના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત નાગરિકો બહોળી સંખ્યામાં જોડાનાર છે. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આ પદયાત્રાના મુખ્ય અંશો જોઈએ તો પદયાત્રા પથ પરના ૩૫ ગામો સહિત કુલ ૧૫૦ ગામોમાં પાંચ દિવસ સુધી વિવિધ સામાજીક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. બુનિયાદી શિક્ષણ પદ્ધતિ આધારે કાર્યરત સંસ્થાઓને સાંકળીને પદયાત્રા થશે.રાજયની ગાંધીવાદી શૈક્ષણિક અને સામાજીક સંસ્થા સામેલ થશે. મહાત્મા ગાંધીએ બતાવેલ ૧૧ મહાવ્રતોનાં આધાર પર ‘૧૧ મહાવ્રત સભાઓ’ જેમા દેશનાં શ્રેષ્ઠ વક્તાઓના ઉદબોધન પ્રવચન લાભ મળશે. ગાંધીયુગની અનુભૂતિ કરાવતા આ ઐતિહાસિક આયોજન દરમિયાન સાંકળી લેવામાં આવેલ ગામડામાં સફાઇ, આરોગ્ય શિબિર, વ્યસનમૂક્તિ સંકલ્પ, ગ્રામ્ય કારીગરોનું સન્માન, કૃષિ માર્ગદર્શન શિબિર, જેવા અનેક રચનાત્મક કાર્યક્રમો ગોઠવાયા છે. દરમિયાન દરરોજ રાત્રીનાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. આઝાદીના સંઘર્ષ સાથે જ બાપુએ ચારિત્ર્ય નિર્માણ અને સમાજ ઘડતર થકી રાષ્ટ્ર-નિર્માણના કાર્યને સાંકળી લીધેલું, આ માટે બુનિયાદી (નઈ તાલીમ/વર્ધા તાલીમ/બેઝિક એજ્યુકેશન) શિક્ષણ પદ્ધતિ વિકસાવેલ. આ અંગે પૂજ્ય બાપુએ જણાવેલ કે, “બુનિયાદી શિક્ષણ પદ્ધતિ એ માનવજાતને મારી આખરી અને અમૂલ્ય દેન છે”.

ઉલ્લેખનીય છે કે ,ભાવનગર જિલ્લાના તત્કાલીન ગાંધીવાદી કર્મશીલોના પ્રયત્નોથી અનેક બુનિયાદી શાળાઓ સ્થપાયેલ, જે આજે પણ ગાંધીયુગની સ્મૃતિ સાચવીને ઊભી છે. આ પદયાત્રા પણ આવી જ બુનિયાદી શાળાઓને જોડીને નિયત કરવામાં આવેલ છે. તા.૧૬/૦૧/૨૦૧૯ના રોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થા-મણારથી પદયાત્રા પ્રસ્થાન થશે તથા તા.૨૨/૦૧/૨૦૧૯નાં રોજ લોકભારતી-સણોસરા સંસ્થા ખાતે સમાપન થશે. ગાંધીવિચારધારા સાથે નવી પેઢી જોડાય તથા પૂજ્ય બાપુએ કલ્પેલા શોષણવિહીન, અહિંસક, ન્યાયી, સમાનતા તથા બંધુતા સાથે કરૂણાપૂર્ણ અને પ્રકૃતિપ્રેમી સમાજનું નિર્માણ થાય તેવા શુભ હેતુસર પૂજ્ય બાપુએ આપેલ ‘૧૧ મહાવ્રત’ના મૂલ્યો પર આ પદયાત્રાની સભાઓ આધારિત રહેશે.  ભારત સરકાર દ્વારા સદીના મહામાનવ રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીના ૧૫૦મા જન્મજયંતિ વર્ષની બે વર્ષ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. આ સંદર્ભે આ અંગે મંત્રી શ્રી માંડવિયાએ જણાવેલ છે કે, “ પદયાત્રા એ વ્યાપક જનચેતના જગાવવા માટેનું અમોધ શસ્ત્ર છે. તેઓએ અગાઉ વર્ષ ૨૦૦૪ અને ૨૦૦૭માં ક્રમશઃ ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ અને ‘વ્યસન મુક્તિ’ના વિષય સાથે પાલિતાણા તાલુકામાં પદયાત્રા યોજેલ, જેના ખુબ સરસ પરિણામો આજે પણ જોવા મળી રહ્યા છે.

Previous articleરાણપુર પંથકના લોકોને હવે પાણી માટે વલખા નહી મારવા પડે
Next articleસંવેદનાનો રોલ પણ વ્યક્તિના વાસ્તવિક જીવનને સુવાસિત બનાવે છે