સંવેદનાનો રોલ પણ વ્યક્તિના વાસ્તવિક જીવનને સુવાસિત બનાવે છે

1093

એક બહુ મોટા પ્રતિષ્ઠિત વ્યક્તિની આ વાત છે. નામ તેનું ચંપકલાલ. નગરના મોટા ગજાના કેસ ચંપકલાલ પાસે આવતાં તેમાં અસીલની જીત નિશ્ચિત થતી હતી. જો કે આ માટે ચંપકલાલ કોઈ પણનો કેસ હાથમાં લેતા પહેલા અસીલ પાસે રોકડા રૂપિયા અગાઉથી ટેબલ પર મુકાવવાનું ચૂકતા નહીં. પરંતુ કહેવું જોઈએ કે ચંપકલાલ પાસે નગરનાં હજારો લોકોનાં જે કેસ આવતા તેમ તેઓ અસીલને હંમેશા જીત અપાવતા હતા. ચંપકલાલ પોતાના કૉલેજકાળથી અભિનયક્ષેત્રે પોતાની આગવી પ્રતિભા ધરાવતા હતા. કલા તેના ડાબા હાથનો ખેલ હતો. તે કૉલેજના કલાગુરુ દ્વારા જે રોલ આપવામાં આવતો તે બખૂબી ભજવી આપતા, તેથી ચંપકલાલ સૌના ચાહિતા થયા હતા. વળી કૉલેજમાં ભણતી છોકરીઓનો તે મોટો ચાહક બન્યો હતો. તેની આજુબાજુ છોકરીઓના ટોળા રહેતા. તેની ફ્રેન્ડશિપ બાંધવા છોકરીઓ ઉત્સુક રહેતી. તેના અભિનયથી તેણીઓ એવી તો અભિભૂત થતી કે કોઈવાર ચંપકલાલ તેનાથી બચવા કૉલેજના પાછલા બારણેથી નીકળી જવાનું પસંદ કરતા. તેને જે કોઈ રોલ આપવામાં આવતો હતો એ પ્રત્યેક રોલ ચંપકલાલ એવો તો ભજવી આપતા કે લોકો તેને જોતા ધરાતા નહીં. કૉલેજકાળ પૂર્ણ થતા તેમના પિતાના મિત્ર મનસુખલાલની પેઢીમાં જોડાઈ ચંપકલાલે ધીરે ધીરે વકીલાત વ્યવસાયમાં ઝંપલાવ્યું. શરૂઆતમાં મનસુખલાલની કંપનીના કાનૂની પ્રશ્નો પૂરતા તેઓ કેસ લડતા, પરંતુ જેમ-જેમ મનસુખલાલની પેઢીના કેસમાં ચંપકલાલની જીત થવા લાગી તેમ તેમ શહેરમાં ચંપકલાલની નામના વધવા લાગી. તેથી ચંપકલાલ પાસે જુદા-જુદા કેસ આવવા લાગ્યા. અસીલ પાસેથી આ રીતે ચંપકલાલ તગડી ફી વસુલ કરવા લાગ્યા. જો કે આમાં કેટલીક કૉલેજકાળની છોકરીઓના કેસ પણ તેની પાસે આવતા. ચંપકલાલ કોઈની શરમ ભર્યા વિના નક્કી થયેલી ફી કેસ હાથમાં લેતા પહેલા રોકડમાં તેની પાસેથી રકમ વસૂલ કર્યા પછી જ કેસ તૈયાર કરવાનું કામ શરૂ કરતા. તેથી ચંપકલાલ જીત અપાવે તેવા વકીલ હોવા છતાં લોકોમાં જિદ્દી વકીલ તરીકે પંકાયા હતા. તેમના દિલમાં દયાના નામે છાંટોય ન હતો. પૈસો તેના માટે પરમેશ્વર હતો. જોકે કૉલેજકાળમાં કૉલેજના કલાગુરુ દ્વારા તેને જુદા જુદા રોલ શી રીતે ભજવી શકાય તેવી તાલીમ મળી હોવાથી કઠોર હૃદયના ચંપકલાલ અતિ મૃદુ રોલ પણ તેમને જો સોપવામાં આવે તો તેઓ ચપળતાપૂર્વક ભજવી બજાવવાની ક્ષમતા ધરાવતા હતા.
શહેરના ટાગોરહૉલમાં ખ્યાતનામ કલાકારો દ્વારા નાટ્ય મહોત્સવ યોજાવાનો હતો. આ મહોત્સવમાં આયોજકો દ્વારા એક અનોખો પ્રયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું. એક કલાકાર જુદા-જુદા પાત્રો ભજવીને પોતાની અદ્દભૂત અભિનય શક્તિ દ્વારા દર્શકોને અભિભૂત કરી શકે તેવું એક નાટક- ‘કલાકાર એક-અભિનય અનેક’ ભજવવાનું નક્કી થયું. જેમાં ઘણા બધા કલાકારો પાસે આવેદન મંગાવવામાં આવ્યા. પરંતુ તેમાં પસંદગી ચંપકલાલની થઇ. કારણ કે ચંપકલાલ પોતાના કૉલેજકાળથી જ અલગ-અલગ કલાકારોના અભિનય આગવી રીતે ભજવી બતાવવા જાણીતા થયા હતા. વળી આયોજકોની પસંદગી સમિતિમાં ચંપકલાલની કૉલેજના કેટલાક પ્રાધ્યાપકો પણ હતા. તેથી ચંપકલાલની અભિનયકલા વિશે તેઓ અગાઉથી જ જાણતા હોવાથી તેમનું આવેદન સ્વીકારવામાં આવ્યું. જોકે આયોજકો દ્વારા આ માટે જેનું આવેદન સ્વીકારવામાં આવે તેને જે રોલ સોંપાય તે મુજબ તગડી રકમ ચૂકવી આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. તેથી ચંપકલાલને પણ ખબર જ હતી કે આ માટે તેમને ઘણી મોટી રકમ મળવાની છે. ચંપકલાલ માટે આ દિવસ માત્ર પૈસા કમાવાનો નહોતો. શહેરમાં ચાલતા વર્તમાનપત્રો અને વીજાણુ માધ્યમમાં સ્થાન મેળવવાનો પણ હતો. તેથી ચંપકલાલ આ માટે ખૂબ ખુશ હતા. આયોજક મિત્રો દ્વારા ચંપકલાલને મોટી કંપનીના માલિક, ઊંચી કોટીના ડૉક્ટર અને એન્જિનિયર જેવા રોલ ભજવવાની કામગીરી સોંપવામાં આવી. છેલ્લે ચંપકલાલને સંવેદનશીલ વકીલનો રોલ ભજવવાની કામગીરી પણ સોંપવામાં આવી. વકીલના વ્યવસાય સાથે સંકળાયેલા ચંપકલાલ માટે આ રોલ ભજવવો ડાબા હાથનો ખેલ હતો. તેથી વકીલનો રોલ ભજવવાનું કામ ચંપકલાલને સોંપાઇ તેમાં કંઇ નવાઈ જેવી વાત નહોતી પણ હકીકતમાં એવું ન હતું. ચંપકલાલ પાસે વકીલના વ્યવસાયમાં જે વાસ્તવિક કેસ આવતા હતા, તેમાં તગડી ફી વસુલ કરીને અસીલનો કેસ હાથમાં લેતા. જ્યારે નાટકમાં ચંપકલાલે તેનાથી વિરુદ્ધ આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા અસીલની સ્થિતિને ધ્યાનમાં રાખી પહેલા કેસ હાથમાં લઈ અસીલને જીત અપાવી અસીલ પૈસા આપી શકે તો જ તેની પાસેથી પૈસા લેવા અથવા તે જેટલા પૈસા આપી શકે તેમાં સંતોષ માનવો અને જો ન આપી શકે તો રકમ જતી કરવી.
રવિવારની રજાનો દિવસ હતો. અમદાવાદનો ટાગોરહૉલ મેદનીથી ઉભરાતો હતો. પ્રેક્ષકો સીટીઓ વગાડી તાળીઓના ગડગડાટ સાથે ચંપકલાલના અભિનયને બિરદાવી રહ્યા હતા. ડૉક્ટર તરીકે ચંપકલાલ જાણે જગ જીતી ગયા તો કંપનીના માલિક તરીકે તેમણે કામ કરતા કર્મચારીઓને જીતી લઈ, ઉત્પાદનક્ષેત્રે પોતાના અભિનય દ્વારા સફળતા મેળવી તે જોતા વાસ્તવિક કોઈ પણ કંપનીનો માલિક શરમિંદો બને તેવો રોલ ચંપકલાલે ભજવી બતાવ્યો. એન્જિનિયર તરીકે તેમણે જે કામ કરી બતાવ્યું તે જોઈને સૌ કોઈને મોંમાં આંગળા નાખી બોલવું પડે કે : ‘એન્જિનિયર એટલે ચંપકલાલ!’ ચંપકલાલ માટે હવે જે રોલ ભજવવાનો હતો તે કામ તેઓ પોતાના વાસ્તવિક જીવનમાં કરી જ રહ્યા હતા. ઊંચી કોટિના વકીલ તરીકે શહેરમાં જેની નામના હતી તેવા વકીલ માટે હવે જે રોલ ભજવવાનો હતો તે જો પહેલી નજરે જોઈને તો આપણને સાવ સામાન્ય કામ લાગે. તેથી આ અંગે પ્રેક્ષકોમાં પણ હૉલમાં ચર્ચા થઈ રહી હતી કે હવે ચંપકલાલ માટે કામ સાવ સરળ છે. પરંતુ બીજી તરફ ચંપકલાલ ભારે મૂંઝવણ અનુભવતા હતા. કારણકે તેના માટે એક સંવેદનશીલ વકીલ તરીકેનો રોલ ભજવવો ખૂબ અઘરો હતો. કામ ઘણું કપરું હતું. ચંપકલાલ મનોમન ખૂબ જ ચિંતિત હતા. પોતાના પાત્રને તેઓ શી રીતે ન્યાય આપશે? તેના વિચારોના વંટોળમાં તેઓ ચકરવકર થઇ રહ્યા હતા. એક સ્ત્રીનો મૃદુભાષી અવાજ સંભળાય છે : ‘સાહેબ, મારા પતિ સાથે મને પાંચ વર્ષથી વાંકું પડ્‌યું છે. મારો કેસ હાથમાં લેશો? તેઓ મને ત્યજી દઈ છૂટાછેડા આપવા માંગે છે. પરંતુ હું તેનાથી અલગ પડવા માગતી નથી. છેલ્લા પાંચ વર્ષથી હું તેના વિના ભારે દુઃખી છું. ડગલે ને પગલે મને તેની યાદ સતાવે છે. મારે શું કરવું? તે મને સમજાતું નથી. બીજી તરફ મારા પતિ રસિક મને કોઈ પણ રીતે સ્વીકારવા તૈયાર નથી. મારે તેની કોઈ સંપત્તિ કે ખોરાકી મેળવવામાં રસ નથી. મને જોઈએ – મારો વહાલસોયો રસિક- તે તમે મને અપાવી શકશો?’
ચંપકલાલ માટે પોતાના પગ નીચેથી જાણે ધરતી ખસતી હોય તેવો આ પ્રસંગ હતો. કઠોર હૃદયના ચંપકલાલે કોમળ બની, આવેલી સ્ત્રીનો કેસ હાથ પર લઈ કોર્ટમાં રસિકને તેની દલીલ દ્વારા સંવેદનશીલ બની, કેસ જીતવાનો હતો. નાટકમાં સોંપાયેલો વકીલનો રોલ ચંપકલાલ ભજવી ન શકે તો આયોજકની શરત મુજબ તેણે અગાઉ ભજવેલા રોલના નાણાં પણ મળી શકે નહીં. તેથી કોઈ પણ રીતે ચંપકલાલે આ કામ પાર પાડવું જ પડે. જોકે ચંપકલાલ પણ ગાંજ્યા જાય તેમ નહોતા. આવેલી સ્ત્રીને પોતાની ચેમ્બરમાં બોલાવી રસિક સાથે તેમનો શી રીતે લગ્ન સંબંધ જોડાયો તેની વિગત મેળવીઃ ‘સાહેબ, રસિક સાથે મારે કૉલેજથી લવ હતો. અમે એકમેક વિના કૉલેજમાં એક મિનિટ પણ રહી શકતા ન હતા. રસિકને કંપનીમાં નોકરી મળતાં જ તેમણે મને પ્રપોઝ કરી અને અમો લગ્નગ્રંથિથી જોડાયાં. લગભગ ત્રણ વર્ષ સુધી અમારો સંસાર ખૂબ સુખરૂપ રીતે ચાલ્યો હતો. નાનકડા મતભેદના કારણે છેલ્લા પાંચ વર્ષથી હું મારા પિતાના ઘરે છું એટલે કે અમે એકમેકથી અલગ થયા છીએ. જોકે બંને અલગ રહેતા હોવા છતાં હું તેની સાથે જ રહેતી હોઉં તેવું જ હું અનુભવું છું. જોકે રસિક તેમ સમજતા નથી. તે મને કોઈ પણ રીતે હવે અપનાવવા માંગતા જ નથી. સાહેબ, તમે રસિકને રીઝવી શકો તો જ મારું જીવન શક્ય છે. મને એવું લાગે છે કે હું રસિક વિના ગાંડી થઈ જઈશ. બીજું તો મારે કંઈ કહેવાનું રહેતું નથી.’ ચંપકલાલ સાંભળીને અવાક બની ગયા. કેસની ફાઈલ તૈયાર કરી ચંપકલાલ દ્વારા નામદાર કોર્ટમાં તે દાખલ કરવામાં આવી. કેસ કોર્ટ દ્વારા હાથ પર પણ લેવામાં આવ્યો. ચંપકલાલ એક બાજુ ફાઈલ હાથમાં લઇ જજસાહેબને વિનંતી કરતાં જણાવે છેઃ ‘સાહેબ, પ્રજ્ઞાબહેન રસિકભાઈને ખૂબ ચાહે છે. તેઓ તેમનાથી અલગ થવા માંગતા નથી.’ રસિકલાલના વકીલ બોલે છેઃ ‘સાહેબ, રસિકભાઈ કોઈ પણ રીતે આ સ્ત્રી સાથે સંસાર ચલાવવા માંગતા નથી. તમે જે રકમ ઠરાવો તે રકમ આપી અમો છૂટા થવા ઇચ્છીએ છીએ. તેથી વાદીની મુકાયેલ દરખાસ્તને કોઈ અવકાશ નથી.’ ફરી ચંપકલાલ બોલે છેઃ ‘સાહેબ, દુનિયાની દરેક સંપત્તિનું મૂલ્ય લક્ષ્મીથી થતું નથી. સંબંધોનું મૂલ્ય તો સંવેદનાથી થાય છે. પ્રજ્ઞાબહેનના હૃદયની વાત મેં જાણી છે. તેઓ કૉલેજકાળથી તેમના પ્રેમમાં છે. તેમને ચાહે છે, એક મિનિટ પણ રસિકલાલથી તેમને અલગ થવું મુશ્કેલ છે. તેઓ પોતાના દિવસો જેમતેમ પસાર કરી રહ્યાં છે. વળી તેઓ પોતાની બધી જ જીદ જતી કરવા માંગે છે. તો પછી છૂટા થવાને કોઈ કારણ રહેતું નથી.’ રસિકલાલના વકીલ બોલી ઊઠે છેઃ ‘સાહેબ, પ્રજ્ઞાબહેનની જુબાની લેવાવી જોઈએ. ચંપકલાલની દલીલ ધ્યાનમાં લેતા પહેલા પ્રજ્ઞાબહેન શું કહેવા માંગે છે તેની પણ નોંધ લેવાવી જોઈએ. પછી જ તે અંગે રસિકભાઈ પોતાનો અભિપ્રાય આપશે.’ પ્રજ્ઞાબહેનને હાજર કરવામાં આવે છે. પ્રશ્ન પુછાતા પ્રજ્ઞાબેન બોલી ઊઠે છે : ‘રસિક મારા માટે સર્વસ્વ છે, સંપત્તિ કે પૈસો માટી સમાન છે.’
સાંભળી રસિકલાલ બોલી ઊઠે છેઃ ‘સાહેબ, હું પ્રજ્ઞાનો સહર્ષ સ્વીકાર કરું છું.’ કેસનો સુખદ ઉકેલ આવે છે. ચંપકલાલ પોતાના રોલ દ્વારા અભિનયક્ષેત્રે જીત મેળવે છે. એટલું જ નહીં તેના વાસ્તવિક જીવનમાં પણ તે જીતી જાય છે. પોતાની પત્ની સાથે દસ વર્ષથી તેને અણબનાવ હતો. નાટકમાં ભજવેલા અભિનયથી તેના જીવનમાં પરિવર્તન આવે છે અને પુનઃ પોતાની પત્ની સાથે જોડાઈ જઈ સુખરૂપ લગ્નજીવન માણવા લાગે છે તેમજ નાટકમાં મળેલી સઘળી રકમને ઠોકર મારીને તે રકમ આયોજકોને વસ્ત્રહીન અને ભૂખ્યા લોકોના હિતમાં વાપરવા ચંપકલાલ પોતાની સંપત્તિ આપી વિદાય થાય છે.

Previous articleગ્રામદક્ષિણામૂર્તિ મણારથી લોકભારતી સણોસરા સુધી ગાંધી સંદેશ પદયાત્રા
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે