ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીના કારણે જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઇ ગયુ છે. દેશના મોટા ભાગના વિમાનીમથક પર ધુમ્મસની ચાદર ફેલાઇ જવાના કારણે વિમાની સેવાને માઠી અસર થઇ છે. અનેક ફ્લાઇટો નિર્ધારિત સમય મુજબ ઉંડાણ ભરી શકી નથી. જેથી યાત્રીઓને એરપોર્ટ પર અટવાઇ જવાની ફરજ પડી હતી. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા હજુ થઇ રહી છે. સાથે સાથે મેદાની ભાગોમાં પારો વધુ ગગડી ગયો છે. આગામી દિવસોમાં હાલમાં કોઇ રાહત મળે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે.
દેશના કેટલાક ભાગોમાં માઇનસમાં તાપમાન પહોંચી ગયુ છે. હિમવર્ષા અને કાતિલ ઠંડી વચ્ચે માતા વૈષ્ણોદેવી મંદિર માટે હેલિકોપ્ટર સેવાને બંધ કરવાની ફરજ પડી છે. જમ્મુ કાશ્મીરના નિવાસી જિલ્લામાં ભારે હિમવર્ષાના કારણે હાલત કફોડી બની ગઈ છે.
માતા વૈષ્ણોદેવી મંદિર માટે હેલિકોપ્ટર અને કેબલ કાર સેવા બંધ કરી દેવામાં આવી છે. બીજી બાજુ હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા જારી છે. રાજ્યના કેલાંગ વિસ્તારમાં ૨૦ સેમી બરફ પડતા જનજીવન ખોરવાઈ ગયું છે. ચારેબાજુ બરફના થર જામી ગયા છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ કાતિલ ઠંડીના સકંજામાં છે અને લઘુત્તમ તાપમાનમાં ઉલ્લેખનીય ઘટાડો થઇ રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં આજે સવારે તાપમાનમાં ઘટાડો થયો હતો. લોકો ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. જો કે, હવામાન વિભાગે ૧૦મી જાન્યુઆરી બાદ સ્થિતિમાં સુધારો થશે તેવી વાત કરી છે. રાજ્યમાં શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં માર્ગો ઉપર વાહનો દેખાઇ રહ્યા નથી. વિમાનીમથકે ઝિરો વિજિબિલીટી થવાના કારણે સાવચેતીના પગલારૂપે વિમાની સેવાને થોડાક સમય માટે રોકવામાં આવી હતી. જો કે ટ્રેન સેવાને પણ કલાકોની અસર થઇ હતી. માર્ગો પર વાહનો પણ ધીમી ગતિએ દોડી રહ્યા છે. હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, દિલ્હી, હરિયાણા, જમ્મુ કાશ્મીર અને અન્ય વિસ્તારોમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ટ્રેન અને વિમાની સેવા સંપૂર્ણપણે ઠપ છે. આગામી દિવસોમાં સ્થિતિમાં કોઇ સુધાર થયા તેવી કોઇ શક્યતા દેખાઈ રહી છે.
રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પણ હળવા વરસાદના કારણે ઠંડી વધી ગઈ છે. ઠંડીના લીધે પાટનગર દિલ્હીમાં કેટલાક ઘરવગરના લોકોને નાઇટ સેલ્ટરમાં આશરો લેવાની ફરજ પડી છે. જમ્મુ કાશ્મીરમાં પારો માઇનસ ૧૮ સુધી નીચે પહોંચ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી કાશ્મીર ખીણમાં સતત હિમવર્ષા થઇ રહી છે જેથી દેશના અન્ય ભાગોથી સંપર્ક ખોરવાી ગયો છે. મોટા રસ્તાઓ અને રાજમાર્ગો ઉપર પણ હિમવર્ષાના કારણે મુશ્કેલી સર્જાઈ છે. ડોડા જિલ્લામાં ભારે હિમવર્ષાથી બરફની ચાદર છવાઈ ગઈ છે. જમ્મુ કાશ્મીર રાષ્ટ્રીય રાજમાર્ગને બંધ કરવાની ફરજ પડી છે. શ્રીનગર વિમાની મથક ખાતે સેવા ઠપ થઇ છે.