સીબીઆઇ વિરુદ્ધ સીબીઆઇ મામલે ચાલી રહેલા કેસ મામલે આજે કેન્દ્ર સરકારને મોટો ફટકો પડ્યો હતો. કારણ કે સુપ્રીમ કોર્ટે સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્માને ફરી સીબીઆઇ વડા બનાવ્યા હતા. જો કે આલોક વર્મા હાલમાં કોઇ નીતિગત નિર્ણય કરી શકશે નહીં. આલોક વર્માની સામે ઉચ્ચસ્તરીય સમિતી તપાસ કરી શકે છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ઉપયોગી ગણવામાં આવે છે. જ્યાં સુધી આ મામલામાં કોઇ કમિટિ નિર્ણય લેશે નહીં ત્યા ંસુધી આગળ વધી શકાશે નહીં. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના ૨૩મી ઓક્ટોબર ૨૦૧૮ના એવા નિર્ણયને ફગાવી દીધો હતો જેમાં કેન્દ્ર સરકારે સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્માને રજા ઉપર મોકલી દેવાનો આદેશ કર્યો હતો. કેન્દ્ર સરકારે સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્માને રજા ઉપર મોકલી દેવાના આદેશને ફગાવી દેવામાં આવ્યા બાદ કેન્દ્રને ફટકો પડ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આલોક વર્મા હાલમાં કોઇ મોટો નીતિગત નિર્ણય લઇ શકશે નહીં. તેમના મામલામાં કમિટિ નિર્ણય લેશે. કમિટિ નવેસરથી આલોક વર્માના કેસને પણ જોશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એસકે કૌલની બેંચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, વડાપ્રધાન, ચીફ જસ્ટિસ અને વિપક્ષી દળના નેતાવાળી હાઈપાવર કમિટિ આલોક વર્માના ભવિષ્યના મામલામાં નિર્ણય કરશે.
જ્યાં સુધી નિર્ણય કરાશે નહીં ત્યાં સુધી સીબીઆઈ ડિરેક્ટર કોઇ મોટો નિર્ણય લઇ શકશે નહીં.
સુપ્રીમ કોર્ટમાં આલોક વર્મા ઉપરાંત એનજીઓ કોમનકોઝ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીના મામલામાં એસઆઈટી તપાસની માંગ કરવામાં આવી હતી. સાથે સાથે સરકાર દ્વારા રજા ઉપર મોકલી દેવાના સરકારના નિર્ણયને પડકાર ફેંકવામાં આવ્યો હતો. આલોક વર્માને ૨૩મી ઓક્ટોબરે રજા પર મોકલી દેવાતા હોબાળો થયો હતો. અગાઉ છઠ્ઠી ડિસેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી કરતી વેળા કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા. સીબીઆઈમાં અધિકારીઓના વિવાદ પર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે મોદી સરકારને અનેક કઠોર પ્રશ્નો કર્યા હતા. સુપ્રીમ કોર્ટે સરકારને પ્રશ્ન કર્યો હતો કે, સબીઆઈ વિરુદ્ધ સીબીઆઈ વિવાદમાં બે ટોચના અધિકારીઓ વચ્ચેની લડાઈ ચાલી રહી હતી ત્યારે વહેલીતકે નોંધ લેવામાં કેમ આવી ન હતી. આ લડાઈ રાતોરાત શરૂ થઇ ન હતી. સુપ્રીમ કોર્ટે પ્રશ્ન કરતા કહ્યું હતું કે, આ એવો મામલો ન હતો જેમાં સરકારને પસંદગી કમિટિથી વાતચીત કર્યા વગર સીબીઆઈ નિર્દેશકની શક્તિઓને તરત જ ખતમ કરવાનો નિર્ણય લેવો પડે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના ચુકાદાની સામે આલોક વર્મા અને એનજીઓ કોમનકોઝની અપીલ ઉપર સુનાવણી પૂર્ણ કરી લીધી હતી અને ચુકાદો અનામત રાખ્યો હતો. આ પહેલા સુનાવણી કરતી વેળા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વમાં બેંચે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે પોતે કબૂલાત કરી છે કે, આવી સ્થિતિ છેલ્લા ત્રણ મહિનાથી જન્મેલી હતી. બેંચે કહ્યું હતું કે, જો કેન્દ્ર સરકારે સીબીઆઈ ડિરેક્ટરના અધિકારો ઉપર અંકુશ મુકવાની જરૂર હતી તો તે પહેલા પસંદગી સમિતિની મંજુરી કેમ લેવામાં આવી ન હતી. જો પસંદગી સમિતિની મંજુરી પહેલા લેવામાં આવી હોત તો કાયદાને વધારે સારી રીતે પાલન થયું હોત. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સરકારની કાર્યવાહીની ભાવના સંસ્થાના હિતમાં હોવી જોઇએ. સીબીઆઇ વિવાદની સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટનું વલણ ખુબ કઠોર રહ્યું હતું. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ સોલીસીટર જનરલ તુષાર મહેતાને પ્રશ્ન કર્યો હતો કે, સરકારે ૨૩મી ઓક્ટોબરના દિવસે સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્માની શક્તિ પરત લેવાનો નિર્ણય રાતોરાત કેમ લીધો હતો. ચીફ જસ્ટિસે પ્રશ્ન કર્યો હતો કે, જ્યારે વર્મા થોડાક મહિનામાં નિવૃત્ત થનાર હતા તો થોડા વધુ મહિનાનો ઇંતજાર અને પસંદગી સમિતિની ભલામણ કેમ લેવામાં આવી ન હતી. તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને માહિતી આપતા કહ્યું હતું કે, સીવીસી આ તારણ ઉપર પહોંચ્યું હતું કે, અસામાન્ય સ્થિતિ ઉભી થઇ ગઇ છે. તેમણે કહ્યું હતુું કે, અસામાન્ય પરિસ્થિતિને ક્યારેક ક્યારેક અસામાન્ય ઉપચારની જરૂર પડે છે. સોલીસીટર જનરલે કહ્યું હતું કે, સીવીસીનો આદેશ નિષ્પક્ષ હતો. બે વરિષ્ઠ અધિકારી લડી રહ્યા હતા. મહત્વપૂર્ણ કેસોને બાદ કરતા એકબીજાના મામલામાં તપાસ કરી રહ્યા હતા. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાની વચ્ચે એટલા માટે દરમિયાનગીરી કરવામાં આવી હતી કે, બંને બિલાડીની જેમ લડી રહ્યા હતા. કેન્દ્ર સરકારની મુખ્ય તપાસ સંસ્થાની વિશ્વસનીયતા ઉપર પ્રશ્નો ઉભા થઇ રહ્યા હતા.સુપ્રીમ કોર્ટના આજના ચુકાદા પર તમામ લોકોની નજર કેન્દ્રિત થઇ ગઇ હતી. સુનાવણી હાથ ધરાયા બાદ તરત જ ચુકાદો આપવામાં આવ્યો હતો.