બોટાદ ખાતે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ અને અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળના અધ્યક્ષ ગીરીશભાઈ શાહની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. બોટાદ માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયેલ આ ગરીબ કલ્યાણ મેળામાં સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના ૪૧૫૨ લાભાર્થીઓને અંદાજીત રૂપિયા ૧.૫૯ કરોડની રકમની સાધન – સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતુ કે પ્રત્યેક પરિવારો ગરીબીમાંથી બહાર આવી આર્થિક રીતે સક્ષમ બને તેવી સરકારની નેમ છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા અમલી યોજનાઓ અને લોકોના હિત માટે લેવાયેલા નિર્ણયોનો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું હતુ કે, વીજળીના કપાયેલા કનેકશનોના કિસ્સામાં માત્ર રૂપિયા ૫૦૦ માં પૂનઃ જોડાણ આપવાના સરકારે કરેલા નિર્ણય બાદ અત્યાર સુધીમાં ૬.૨૨ લાખ પરિવારોએ આનો લાભ લીધો છે. આગામી દિવસોમાં આ માટે જિલ્લામાં કેમ્પ કરી લોકોને પૂનઃ વીજ કનેકશનો આપવાની કામગીરી કરવામાં આવશે.
તેમણે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સવર્ણો માટે ૧૦ ટકા આર્થિક અનામતના નિર્ણયને ઐતિહાસિક ગણાવતા ઉમેર્યું હતુ કે, કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હજારો પરિવારોને લાભ થશે. કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમારે ઉપસ્થિત સૌને આવકારતા જણાવ્યું હતુ કે, બોટાદ ખાતે યોજાયેલા આ જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં જિલ્લાના ૪૧૫૨ લાભાર્થીઓને અંદાજિત રૂપિયા ૧.૫૯ કરોડની રકમના લાભો અપાશે, તેનાથી લોકોના જીવનને નવી દિશા મળશે. તેમણે આ મેળાના માધ્યમથી સરકારશ્રીની વૃધ્ધ પેન્શન યોજના જેવી કેટલીક યોજનાઓના લાભોના ઓર્ડર લાભાર્થીઓને આજે મળશે. પરંતુ તેનો લાભ લાભાર્થીઓને આજીવન મળતો રહેશે. તેમ પણ જણાવ્યું હતુ. આ પ્રસંગે આ તકે લાભાર્થીઓએ વિવિધ યોજનાના લાભથી તેમના જીવનમાં આવેલ બદલાવ અંગે પ્રતિભાવો પણ રજુ કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી આશીષ કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, અધિક નિવાસી કલેકટર બી. વી. લીંબાસીયા, અગ્રણીઓ ડો. માણીયા, સુરેશભાઈ ગોધાણી, મહાસુખભાઈ કણઝરીયા, મનહરભાઈ માતરીયા, છનાભાઈ કેરાલીયા, માધવજી ભૂંગાણી, અધિકારી – પદાધિકારીઓ, લાભાર્થીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયાં હતા.