બરવાળા તાલુકાના રેફડા ગામે રહેતી પરણીત ગર્ભવતી મહિલાનું સ્વાઈનફલુ પોઝીટીવ આવતા અમદાવાદન વી.એસ. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલ. જયાં ગત રાત્રીના સારવાર દરમ્યાન તેણીનું મોત થયું હતું. કરૂણ બાબત તો એ છે કે આજે તા. ૮ને મંગળવારે મૃતક મહિલાનું સીમંત ભરવાનું હતું. તેના બદલેત ેની અર્થી નિકળતા નાનકડા એવા રેફંડા ગામમાં ગમગીની સાથે શોકનો માહોલ છવાયો હતો.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર બરવાળા તાલુકાના રેફંડા ગામે રહેતી ર૧ વર્ષિય પરણીત ગર્ભવતી મહિલા થોડા દિવસથી બિમાર રહેતી હોવાના કારણે તેણીને બોટાદ તથા લાઠીદડ ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવેલી જયારે મહિલાની તબીયત વધુ લથડતા સારવાર અર્થે ખસેડાતા ડોકટર દ્વારા તેણીની બિમારીના રીપોર્ટ કરાવતા તેને સ્વાઈન ફલુ પોઝિટીવ આવતા મહિલાને અમદાવાદ ખાતે વી.એસ. હોસ્પિટલમાં સારવાર અર્થે ગત તા. પ જાન્ય્આરીના રોજ ખસેડાયેલ જયાં બે દિવ્સની સારવાર બાદ તા. ૭મીની રાત્રીના તેણીનું સ્વાઈનફલુથી મોત થતા રેફડા ગામમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ સ્વાઈનફલુના કારણે મૃત્યુ પામેલી મહિલા ગર્ભવતી હતી અને ૮મી જાન્યુઆરીના રોજ તેનો સીમંત પ્રસંગ હતો પરંતુ સીમંતની પુર્વ રાત્રીના જ તેનું મોત થતા આજે તેના ઘરેથી સીમંતના બદલે તેની અર્થી નિકળતા ખુશીનો માહોલ માતમમાં છવાયો હતો. રેફડા દસથી વધુ લોકોને સ્વાઈન ફલુનુ ઈન્ફેકશન લાગ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. છતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં આરોગ્ય તંત્ર સામે રોષ વ્યાપ્યો છે.
આરોગ્ય ટીમ છેલ્લા ત્રણ દિવસથી સર્વે કરે છે
બરવાળા તાલુકાના રેફ્ડા ગામે સ્વાઈનફ્લૂ પોઝિટિવ આવતા સાળંગપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીમ છેલ્લા ૩ દિવસથી સર્વે કરી રહી છે તેમજ પીડિત મહિલા નજીક રહેલા પરિવારજનો ને પ્રાથમિક સારવાર આપી મેડિસિન તેમજ તપાસણી હાલમાં ચાલુ છે તેમજ શંકાસ્પદ લાગતા લોકોને મેડિસિન અને તપાસ કરવામાં આવેલ છે
-ડો અનિલાબેન બારૈયા
આરોગ્ય વિભાગની ટીમ અમારા ગામમાં નથી આવી
રેફડા ગ્રામ પંચાયત દ્વારા આરોગ્ય વિભાગને રજૂઆત કરવામાં આવેલ હતી તેમજ રેફડા ગામે મહિલાને સ્વાઇનફ્લૂ થતાં મૃત્યુ થયેલ છે પરંતુ આરોગ્ય વિભાગની ટીમ અમારા ગામમાં આવેલ નથી અને જરૂરી કાર્યવાહી પણ કરેલ નથી
– કાનજીભાઈ વાળા (સરપંચ)