આજરોજ ગારિયાધાર શહેરના પાલીતાણા રોડ પાસે આગામી ચૂંટણીના પ્રચાર હેતુ ભાજપા પાર્ટીના યોગી આદિત્યનાથ કે જે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી છે તેમના દ્વારા સભાનું સંબોધન કરાયું હતું. સંબોધનમાં તેમના દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. જ્યારે સંબોધનમાં શરૂઆત વક્તવ્ય ગુજરાતીમાં બોલીને શ્રોતાગણ પણ પ્રભાવિત થયેલ.
જ્યારે આ ચાલુ સભા દરમ્યાન શ્રોતાગણમાં હાજર રહેલ દલીત યુવાનો દ્વારા જય ભીમના નારા લગાવતા આ યુવાનોની અટક કરવામાં આવી હતી. જ્યારે યુવાનોની અટક કરાતા દલીત સમાજના આગેવાનોના ટોળેટોળા પોલીસ સ્ટેશન પર વળ્યા હતા અને તંત્રને ઘેરી વળ્યા હતા. આ ઉપરાંત દલીત સમાજના આગેવાનો સાથે કોંગ્રેસ તેમજ ગુજરાત જનચેતના પાર્ટીના કાર્યકરો પણ હાજર રહ્યાં હતા અને જિલ્લા પોલીસવડાને આ મુદ્દે ગારિયાધાર પોલીસ સ્ટેશન પર રજૂઆત કરી તે કહ્યું કે, ડો.બાબાસાહેબ આંબેડકર બંધારણના ઘડવૈયા છે અને બાબાસાહેબની જય બોલાવવીને જાણે આ યુવકો દ્વારા કોઈ ગંભીર ગુનો કરાયો હોય પોલીસ દ્વારા સભામાંથી યુવકોની અટકાયત શા માટે કરવામાં આવી ? આ ઉપરાંત પોલીસ સ્ટેશન ખાતે ભાજપ મોદી અને યોગી વિરૂધ્ધ નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા. જો કે આ યુવકોની અટકાયતની થોડી મીનીટો બાદ સભા પૂર્ણ થયેલ હતી અને સભા પૂર્ણ થયા બાદ આ યુવકોને છોડી મુકાયા હતા. જો કે દલીત સમાજના આગેવાનો દ્વારા આ ઘટનાને પગલે ઉગ્ર નિવેદનો આપીને આગામી દિવસોમાં ચૂંટણીમાં મતદાનથી જવાબ આપવાની સ્થિતિ ન ઉભી થાય તેવા હેતુથી ગારિયાધાર પોલીસ દ્વારા મધ્યસ્થી કરીને મામલો શાંત પાડીને કાયદો-વ્યવસ્થા જળવાય રહે તેવું આહવાન કરવામાં આવ્યું હતું.