રાફેલ, જનરલ ક્વોટા બિલ, નાગરિકતા સુધારા બિલ પર રાજકીય ઘમસાણ વચ્ચે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર વડાપ્રધાન મોદી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. રાજસ્થાનના જયપુરમાં એક સભા દરમિયાન રાહુલે ફરી એકવાર રાફેલનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, ૫૬ ઇંચની છાતી ધરાવનાર વડાપ્રધાન લોકસભામાં એક મિનિટ માટે પણ આવી શક્યા ન હતા. તેઓએ સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામનને પોતાના રક્ષણ માટે મેદાનમાં ઉતાર્યા હતા. આવી રીતે જનતાની કોર્ટમાંથી ચોકીદાર ભાગી ગયા હતા. મોદી સરકાર બન્યા બાદ રાજસ્થાનમાં બોલતા રાહુલ ગાંધી ખુબ જુસ્સામાં નજરે પડ્યા હતા. ખેડૂતોની લોન માફીને લઇને પોતાની પાર્ટીની પ્રશંસા કરી હતી. રાહલે કહ્યું હતું કે, દેશના ખેડૂતો અને યુવાનો બેકફુટ ઉપર બેટિંગ કરવાના બદલે ફ્રન્ટફુટ ઉપર જઇને છગ્ગા ચોગ્ગા મારે તે જરૂરી છે. સીબીઆઈના મામલા ઉપર મોદી સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, રાત્રિના અંધારામાં સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્માને દૂર કરી દેવામાં આવ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટે આલોક વર્માને ફરીવાર વડા તરીકે નિયુક્ત કરી દીધા છે. રાફેલ મામલામાં સીબીઆઈ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી. નોટબંધી અને જીએસટીથી નાના દુકાનદારો ખતમ થઇ ચુક્યા છે. બેંકના તમામ પૈસા અનિલ અંબાણી અને તેમના મિત્રોને આપી દીધા છે. યુવાનો, ખેડૂતો અને નાના દુકાનદારોને નાણાં મળી રહ્યા નથી. પોતાના ભાષણ દરમિયાન રાહુલ ખુબ જ આક્રમક મૂડમાં દેખાયા હતા. ક્રિકેટની ભાષાનો ઉપયોગ કરતા રાહુલે કહ્યું હતું કે, દેશના યુવાનો રોજગારી માંગે છે ત્યારે મોદી બેકફુટ ઉપર બેટિંગ કરે છે પરંતુ દેશના યુવાનો બેકફુટ ઉપર નહીં બલ્કે ફ્રન્ટફુટ ઉપર બેટિંગ કરે તે જરૂરી છે. યુવાનો અને ખેડૂતોને ભયભીત થવાની કોઇ જરૂર નથી.