રાજ્યસભામાં સવર્ણોને ૧૦ ટકા અનામત બિલ લાંબી ચર્ચા બાદ મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી. જેમાં અનામત બિલ સિલેક્ટ કમિટીમાં નહી મોકલવામાં આવે. પહેલા માંગ એવી થઈ કે, આ બિલને સિલેક્ટ કમિટી સમક્ષ મુકવામાં આવે. પરંતુ આ નિર્ણય પર રાજ્યસભામાં મતદાન પ્રક્રિયા કરવામાં આવી. આખરે ૧૫૫ મત બિલને કમિટી પાસે નહી મોકલવાની તરફેણમાં પડ્યા, જ્યારે ૧૮ મત બિલને કમિટી મોકલવા માટે પડ્યા.
સવર્ણ અનામત બિલ પર થઈ રહેલી ચર્ચા ઉપર બોલતાં રામગોપાલ યાદવે કહ્યું કે, જે મેરિટનો આંકડો હતો તે તમે નાનો કરી દીધો, તમે મેરિટને શોર્ટ કરી દીધો અને સંખ્યાને વધારી દીધી.
એક વર્ષ બાદ આપને તેની અસર દેખાશે. યાદવની આ વાતને વચમાં અટકાવતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, તમે મેરિટની વાત કરો છો પરંતુ જ્યારે તમે મુસ્લિમ અનામત લાવ્યા તો ત્યારે શું મેરિટની સંખ્યા ઓછી નહીં થાય. તમે તો મુસ્લિમ અનામત લઈ આવ્યા, તો મેરિટથી બાળકોનું શું થશે. તમે તમારું ૨૦૧૨નો મેનિફેસ્ટો જોઈ લેજો.અગાઉ, રાજ્યસભામાં સામાજિક ન્યાય મંત્રી થાવરચંદ ગેહલોતે સવર્ણ વર્ગને અનામત આપવા સાથે જોડાયેલું બિલ રાજ્યસભામાં રજૂ કર્યું. ડીએમકે સાંસદ કનિમોજીએ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાની માંગ કરી. આ દરમિયાન ગૃહની કાર્યવાહીને એક દિવસ લંબાવવા મામલે વિપક્ષે હોબાળો કરી વિરોધ નોંધાવ્યો.
શર્માએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, લોકસભ ચૂંટણી યોજાવાની છે એટલે આ બિલ લાવવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, અનામત આપી દીધું પરંતુ નવી નોકરીઓ તો ઊભી નથી થઈ રહી તો તેનો શું ફાયદો થશે? આ લોકોને લાલચ આપવા સમાન છે. પહેલા રોજગારી આપો, અર્થવ્યવસ્થા સુધારો પછી અનામતની વાત કરો.
મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું કે, કોઈ બિલને રજૂ થયાના બે દિવસ પહેલા તેની કોપી આપવી પડે છે. તેઓએ વધુમાં કહ્યું કે, એક દિવસમાં બિલ પર વોટિંગ અને તેનો પરિચય નથી આપવામાં આવતો. ગૃહ જાણવા માંગે છે કે સરકારને આ બિલ લાવવામાં આટલી ઉતાવળ કેમ છે. તેઓએ કહ્યું કે બિલ હજુ અધૂરું છે.
કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું કે, ગૃહમંત્રીએ ગૃહમાં આવીને નાગરિક્તા સંશોધન બિલ પર બોલવું જોઈએ. તેઓએ કહ્યું કે, ગૃહમંત્રીને પૂર્વોત્તરને આશ્વાસન આપવું જોઈએ કે દેશની અખંડતા બની રહેશે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકોને ૧૦ ટકા અનામત આપનારું બિલ મંગળવારે લોકસભામાં ૩૨૩ મતોની સાથે પાસ થઈ ગયું. તેના વિરોધમાં ૩ વોટ પડ્યા. બુધવારે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવાની શક્યતા છે જ્યાં સરકારની પાસે બહુમત નથી. એવામાં બુધવારે પણ સરકારની પરીક્ષા છે.
લોકસભામાં વિપક્ષ સહિત લગભગ તમામ પાર્ટીઓએ બંધારણ (૧૨૪મું સંશોધન) ૨૦૧૯ બિલનું સમર્થન કર્યું. સાથે જ સરકારે દાવો કર્યો કે કાયદો બન્યા બાદ તે ન્યાયિક સમીક્ષાની અગ્નિપરીક્ષામાં પણ પાસ થશે કારણ કે તેને બંધારણ સંશોધન દ્વારા લાવવામાં આવ્યું છે.