સેક્ટર-૨૭ની ગાયત્રી સોસાયટીમાં પંદર દિવસથી ગટર તૂટી જવા છતા તે અંગે પગલા નહિ લેવાતા ગટર બોર્ડની નઠોરતાને પગલે કોઇનો ભોગ લેવાયા બાદ જ તુટેલી ગટરનું રિપેરીંગ કરવામાં આવશે તેવું ચિત્ર ઉપસ્યું છે. તુટેલી ગટરના રિપેરીંગ માટે સ્થાનિકો દ્વારા ત્રણ ત્રણ વખત રજુઆત કરવા છતાં પરિસ્થિતિ જૈસે થે રહેતા બાળકો તેમજ વૃદ્ધો પડી જવાથી જાનહાની થવાની દહેશત રહેવાસીઓએ વ્યક્ત કરી છે.
નગરના સેક્ટરોમાં માળખાકિય સુવિધાઓને દુરસ્ત કરવાની કામગીરીમાં ગોકળ ગાયની ગતિને પગલે સ્માર્ટ સિટીની વાતો નેતાઓના ભાષણ પુરતી જ સિમિત રહી છે. તેમ નગરના વોર્ડ નંબર ૧માં સેક્ટર ૨૭ સર્જાયેલી તુટેલી ગટરની સમસ્યા પરથી લાગે છે. સોસાયટીના ઘર નંબર ૪૧૫ની સામેના માર્ગ ઉપર વાહનોની અવર જવરથી ગટર તુટી ગઇ છે. ગટર તુટી જવાથી તેના રિપેરીંગ માટે સ્થાનિકો દ્વારા ગટર બોર્ડની સેક્ટર-૨૪ની કચેરીમાં લેખિત રજુઆત કરવામાં આવી હતી. પરંતુ બોર્ડ પાસે રિપેરીંગ માટે જાણે સમય ન હોવાથી પખવાડિયુ વિતવા છતાં ગટર તુટેલી રહી છે. પરિણામે સ્થાનિકોમાં રોષ જાગ્યો છે.
ગાયત્રીનગરના રહેવાસી મિલનભાઇ વ્યાસે કહ્યું કે તુટેલી ગટરમાં પડી જવાથી જો જાનહાની થશે કે કોઇને ઇજા થશે તેની સંપુર્ણ જવાબદારી ગટર બોર્ડની રહેશે તેવી લેખિત રજુઆત કરાઇ છે. ગટર બોર્ડ સ્થાનિક લોકો પાસેથી એડવાન્સ વેરો વસુલે છે, છતાં તુટેલી ગટર રીપેરીંગનો તેમની પાસે સમય નથી.